(ANI Photo/Sanjay Sharma)

ગુજરાત, દિલ્હી, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં રવિવારે મૂશળધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાં હતાં. દિલ્હીમાં રેકોર્ડ વરસાદને કારણે યમુના સહિતના મોટાભાગની નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતા. શહેરો અને ગામડાના ઘણા રોડ અને રહેણાંક વિસ્તારો ઘૂંટણ સુધીના પાણીમાં ગરકાવ થયાં હતાં. રાષ્ટ્રીય રાજધાનીમાં અવિરત વરસાદને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે તમામ સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી હતી. હરિયાણાના ગુરુગ્રામમાં વહીવટીતંત્રે કોર્પોરેટ ગૃહોને સોમવારે ઘરેથી કામ કરવાની અને શાળાઓને રજા જાહેર કરવાની સલાહ આપી હતી.

પહાડી વિસ્તોરમાં એકાએક આવેલા પૂરથી રસ્તાઓ ધોવાઈ ગયાં હતાં, તેનાથી ટુરિસ્ટો સહિત ઘણા લોકો ફસાયાં હતાં. સત્તાવાળાએ હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી પ્રવાસની યોજના મોકૂફ રાખવા લોકોને સૂચના આપી હતી.
રેલવે સર્વિસને પણ ફટકો પડ્યો હતો. ઉત્તર રેલ્વેએ જણાવ્યું હતું કે તેને લગભગ 17 ટ્રેનો રદ કરી છે અને લગભગ 12 ટ્રેનો ડાયવર્ટ કરી છે. પાણી ભરાવાને કારણે ચાર રૂટ પર રેલવે સર્વિસ બંધ કરાઈ હતી. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણીઓ જારી કરવામાં આવી છે.

દિલ્હીમાં 1982 પછીથી જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સત્તાવાળાઓએ યમુનાના પાણીના સ્તરમાં વધારો થવા અંગે ચેતવણી આપી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર દિલ્હીમાં રવિવારે 8:30 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે હરિયાણાના ચંદીગઢ અને અંબાલામાં અનુક્રમે 322.2 મીમી અને 224.1 મીમીનો રેકોર્ડ વરસાદ નોંધાયો હતો.

હિમાચલપ્રદેશના સાત જિલ્લામાં અતિશય ભારે વરસાદનો રેડ એલર્ટ જારી કરાયો હતો. રાજ્યમાં ભૂસ્ખલનની ત્રણ ઘટનામાં પાંચ લોકોનો મોત થયાં હતાં. શિમલા જિલ્લાના કોટગઢ વિસ્તારમાં ભૂસ્ખલનને પગલે ઘર ધરાશાયી થવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં હતાં, જ્યારે કુલ્લુ અને ચંબા જિલ્લામાંથી એક-એકનું મોત થયું હતું. હિમાચલ પ્રદેશના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા 36 કલાકમાં 14 મોટા ભૂસ્ખલન અને 13 ફ્લેશ ફ્લડ ઘટનાઓ નોંધાઈ હતી. રાજ્યમાં 700થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે.

ઉત્તરાખંડમાં ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુલર પાસે ભૂસ્ખલન થતાં જીપ નદીમાં પડી જતાં ત્રણ યાત્રાળુઓ ગંગામાં ડૂબી ગયાં હતાં અને ત્રણ લાપતા બન્યાં હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જીપમાં 11 લોકો હતાં. પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણની શોધ ચાલી રહી છે. બચાવ કર્મચારીઓ દ્વારા ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં. રાજ્યના કાશીપુર વિસ્તારમાં બે મકાનો ધરાશાયી થતાં એક દંપતીનું મોત અને પૌત્રીને ઈજા થઈ હતી.

હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિમાં ચંદ્રતાલમાં લગભગ 200 લોકો ફસાયા હતા અને બિયાસ નદીમાં પૂરને કારણે ચંદીગઢ-મનાલી હાઇવેનો એક ભાગ ધોવાઇ ગયો હતો. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડના પર્વતો પરના ગામડોએ સંપર્ક વિહોણા બન્યાં હતા. હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ દુકાનો ધોવાઈ જવાના અહેવાલો છે. કુલ્લુ, કિન્નૌર અને ચંબાના નુલ્લામાં અચાનક આવેલા પૂરમાં વાહનો તણાઇ ગયા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં ડોડા જિલ્લામાં એક પેસેન્જર બસ પર ભૂસ્ખલન થતાં બે લોકોનાં મોત થયાં હતાં.પૂંચ જિલ્લામાં શનિવારે ડોગરા નાળાને પાર કરતી વખતે અચાનક આવેલા પૂરમાં વહી ગયેલા બે સૈનિકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. જો કે શ્રીનગરમાં મુશળધાર વરસાદથી થોડી રાહત મળી હતી અને અમરનાથ યાત્રા ત્રણ દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ રવિવારે પંજતરની અને શેષનાગ બેઝ કેમ્પથી ફરી શરૂ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારોમાંથી પણ હિમવર્ષાના અહેવાલો છે. આ વિસ્તારોમાં ભારે વરસાદનો રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ અને સાંબા જીલ્લાઓ અને નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ખતરાના નિશાનીને વટાવી ગયાં હતા. અહીં નીચાળવાળા વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયો હતો.

 

LEAVE A REPLY