ભારતના ઉત્તરપૂર્વ રાજ્ય મણિપુરમાં છેલ્લાં એક મહિનાથી ચાલી રહેલી હિંસાના મુદ્દે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતની મદદ કરવાની ઓફર કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. એરિક ગાર્સેટીએ કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો છે, પરંતુ જો ભારત મદદ માગશે તો અમે તે માટે તૈયાર છીએ. ગાર્સેટીના આ નિવેદન પર કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો હતો અને તેને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ગણાવી હતી.
કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારના સવાલનો જવાબ આપતી વખતે અમેરિકી રાજદૂતે આ ટીપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મણિપુરમાં શક્ય તેટલી ઝડપથી શાંતિની સ્થાપના થાય તેવું અમે ઇચ્છીએ. રાજ્યની સ્થિતિ માટે અમને કોઇ રાજકીય નહીં, પરંતુ લોકોની ચિંતા છે. મણિપુરના બાળકો અને ત્યાં મોતને ભેટી રહેલા લોકો અંગે ચિંતા વ્યક્ત કરવા માટે કોઇ વ્યક્તિ ભારતીય જ હોય તે જરૂરી નથી.
આ નિવેદનની ટીકા કરતાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ મણિપુર જવું જોઇએ. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. ભારત ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે, આપણી આંતરિક બાબતોમાં કોઇ હસ્તક્ષેપ કરે તે અમને પસંદ નથી. અમેરિકામાં ગનથી થતી હિંસાથી ઘણા લોકોના મોત થાય છે. વંશિય હિંસા થાય છે, પરંતુ આપણે ક્યારે આ મુદ્દે અમેરિકાને લેક્ચર આપ્યું નથી.