વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદમાં G20 અંતર્ગત યોજાયેલી બે દિવસીય U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો.
કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ આમંત્રિતોનું પરંપરાગત નૃત્યો અને વાદ્યોના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના મેયર કિરીટભાઇ પરમાર દ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવ્યાં હતા તથા હેરિટેજ વોક અને તેના મહત્વ અંગે ટૂંકમાં માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન ડેલીગેટ્સે 22 જેટલા ઐતિહાસિક વારસાની ધરોહર સમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, કેલિકો ડોમ, લાબેશ્વરની પોળ, દોશીવાડાની પોળ, ઝવેરીવાડ, અષ્ટાપદજી દેરાસર, હરકુંવર શેઠાણીની હવેલી, ફર્નાન્ડીસ પુલ, માણેક ચોક, રાણીનો હજીરો, જામા મસ્જિદ સહિતના સ્થળોની મુલાકાત લઈને હેરિટેજ ઈન્ફ્રાસ્ટ્રકચર, ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ઓટલા, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા. અંગ્રેજી ભાષાના જાણકાર ગાઈડ્સ દ્વારા મહેમાનોને ત્રણ ટુકડીઓમાં સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યાં હતાં.

LEAVE A REPLY