બાઇડન સરકારે કેલિફોર્નિયાની કોર્ટને પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાએ દાખલ કરેલી હેબિયસ કોર્પસ પિટિશનને નકારી કાઢવા વિનંતી કરી હતી તથા પુનરોચ્ચાર કર્યો છે કે તેનું ભારતમાં પ્રત્યાર્પણ થવું જોઈએ, જ્યાં તે 2008ના મુંબઈ આતંકી હુમલામાં તેની સંડોવણી માટે વોન્ટેડ છે. અમેરિકાની એક કોર્ટે મે મહિનામાં 62 વર્ષીય રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. રાણા હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે. ભારતે 10 જૂન 2020ના રોજ પ્રત્યાર્પણ માટે રાણાની કામચલાઉ ધરપકડની માંગ કરતી ફરિયાદ નોંધાવી હતી.

જો બાઇડેન સરકારે રાણાના ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની ઇ માર્ટિન એસ્ટ્રાડાએ અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, “અમેરિકા વિનંતી કરી છે કે અદાલત રાણાની હેબિયસ કોર્પસની રિટને નકારી કાઢે.”  રાણાએ ગયા મહિને એક હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી અને તેના ભારતમાં પ્રત્યાર્પણ માટે અમેરિકન સરકારની વિનંતીને સ્વીકારતા કોર્ટના આદેશને પડકાર્યો હતો.

ભારતની તપાસ એજન્સી (NIA) પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. મુંબઈ આતંકી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

 

LEAVE A REPLY