ફ્રેન્ચ ફિલ્મો પ્રત્યે બોલીવૂડના ફિલ્મકારોને હંમેશાથી આકર્ષણ રહ્યું છે. ભેજાફ્રાય, ડૂ નોટ ડિસ્ટર્બ, હે બેબી, નૌટંકી સાલા, શાંઘાઈ, તેરા સૂરૂર, કારતૂસ જેવી અનેક ફિલ્મો ફ્રેન્ચ સંસ્કૃતિ પર આધારિત છે અથવા તો તેનાથી પ્રેરિત છે. આ વખતે દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર શાહિદ કપૂર સાથે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ ‘બ્લડી ડેડી’ લઈને આવ્યા છે. આ ફિલ્મ 2011માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ સ્લીપલેસ નાઈટનું એડાપ્શન છે. તમિલ ભાષામાં આ ફિલ્મ ‘તૂંગા વનમ’ નામે બની ચૂકી છે. જેમાં કમલ હાસન અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં હતા. અલી અબ્બાસ ઝફરે ‘બ્લડી ડેડી’માં શાહિદના ગાંડપણને એક્શન અને થ્રીલને અલગ રીત દર્શાવ્યું છે.
ફિલ્મની શરૂઆત એકદમ થ્રીલિંગ અંદાજમાં થાય છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો અંડર કવર એજન્ટ સુમેર (શાહિદ કપૂર) પોતાના સાથી ઝીશાન સિદ્દીકી સાથે ડ્રગ્સનું 50 કરોડનો જથ્થો જપ્ત કરવાના સિક્રેટ ઓપરેશન પર નીકળે છે. તે ડ્રગ્સ જપ્ત કરી લે છે પરંતુ ડ્રગ્સ માફિયાના ગુંડા તેને જોઈ લે છે. ડ્રગ માફિયાનો સાગરિત સિકંદર (રોનિત રોય) સુમેરના પુત્ર અર્થવનું અપહરણ કરી લે છે. જો સુમેર ડ્રગ્સનો જથ્થો પાછો આપે તો જ તે અર્થવને છોડશે તેવી શરત મૂકે છે. સુમેર અને તેની પત્નીના છૂટાછેડા થઈ ગયા છે અને અર્થવ સુમેર સાથે રજાઓ ગાળવા આવ્યો હતો ત્યારે જ તેનું અપહરણ થઈ જાય છે. સુમેર ડ્રગ્સ લઈને સિકંદરની હોટેલ પર પહોંચે છે.
તે ડ્રગ્સ લેડીઝ ટોયલેટમાં છુપાવે છે અને પોતાનો દીકરો સુરક્ષિત છે કે કેમ તે જાણવા માટે સિકંદર પાસે જાય છે. દીકરો સુરક્ષિત હોવાની ખાતરી કર્યા પછી તે લેડીઝ ટોયલેટમાં ડ્રગ્સ લેવા જાય છે ત્યારે ડ્રગ્સ ત્યાંથી ગાયબ થઈ ગયું હોય છે. સુમેરના ડીપાર્ટમેન્ટની અદિતિ (ડાયના પેન્ટી) તેનો પીછો કરતાં કરતાં હોટેલમાં આવી હતી અને તેણે જ ડ્રગ્સ અન્ય સ્થળે છુપાવી દીધું હતું. તે આ વાત પોતાના બોસ સમીર (રાજીવ ખંડેલવાલ)ને જણાવે છે. અહીં જ શરૂ થાય છે ડ્રગ્સ મેળવવાનો ખૂની ખેલ. હવે સ્ટોરી આગળ વધે છે.
‘ગુંડે’, ‘સુલતાન’, ‘ટાઈગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મોના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે દમદાર કલાકારો સાથે અબૂધાબીની ગુરુગ્રામ હોટલમાં વિચિત્ર, બિહામણા અને ષડયંત્રો રચતા પાત્રોની અનોખી દુનિયા ઊભી કરી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ એકદમ ટાઈટ છે અને થ્રીલર ઈમ્પેક્ટ પર ઈન્ટરવેલ આવે છે એટલે તમને જોવા માટે તલપાપડ થઈ જાવ છો. મધ્યાંતર પછી અલી અબ્બાસ ઝફરે એક્શન પર વધુ ભાર આપ્યો છે, જે ફિલ્મનો સ્ટ્રોન્ગ પોઈન્ટ છે.
ઓટીટી શાહિદ કપૂર માટે શુભ સાબિત થયું છે. ફર્ઝી નામની વેબ સીરીઝમાં તેના ખૂબ વખાણ થયા છે ત્યારે શાહિદે આ ફિલ્મમાં પણ ધારદાર એક્ટિંગ કરી છે. ફિલ્મના શીર્ષક પ્રમાણે સુમેર બ્લડી પણ છે અને ડેડી પણ છે. ક્રૂર, હિંસક અને ઝનૂની અંડર કવર એજન્ટ તરીકે પોતાની ડ્યૂટી અને દીકરાને બચાવવાની ઝંખના કઈ હદ સુધી તબાહી લાવી શકે છે તે શાહિદે પડદા પર સરસ રીતે દર્શાવ્યું છે.