પ્લેટિનમ જ્યુબિલી, રાણીના અંતિમ સંસ્કાર, રાજાના રાજ્યાભિષેકની તૈયારી અને બે શાહી પરિવારોના જોડાવાના ખર્ચને કારણે બકિંગહામ પેલેસમાં રહેતા શાહી પરિવારનો ચોખ્ખો ખર્ચ આ વર્ષે £5 મિલિયનથી વધુ વધીને £107.5 મિલિયન થયો છે. યુકેના રાજવી પરિવારના ખર્ચમાં ગયા વર્ષે 5 ટકાનો વધારો થયો હતો અને સત્તાવાર શાહી ખર્ચ માટે યુકેના કરદાતાઓએ કુલ £86.3 મિલિયન ભંડોળ આપ્યું હતું.
બકિંગહામ પેલેસ દ્વારા 2022-23ના વાર્ષિક હિસાબો અંગે જણાવ્યું હતું કે ‘’આ વર્ષના હિસાબો કિંગ ચાર્લ્સ IIIએ માતા, રાણી એલિઝાબેથ II ના અવસાન પછી સિંહાસન સંભાળ્યું તેના ખર્ચાને આવરી લે છે. શાહી પરિવારને સોવરિન ગ્રાન્ટ મળે છે, જે યુકેના વ્યક્તિ દીઠ £1.29 જેટલી છે. જેમાં બકિંગહામ પેલેસના 10-વર્ષના “રિઝર્વાઇસિંગ” ભંડોળ માટેની સમર્પિત રકમનો પણ સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ આવશ્યક બિલ્ડિંગ સમારકામ માટે કરાય છે.
2022-23 માટેની કુલ સોવરિન ગ્રાન્ટમાં £51.8 મિલિયનની કોર ગ્રાન્ટનો પણ સમાવેશ થાય છે જેમાંથી સત્તાવાર મુસાફરી, મિલકતોની જાળવણી અને શાહી પરિવારના ખર્ચ થાય છે. શાહી ગ્રાન્ટમાં મદદ મળી રહે તે માટે શાહી રોકાણો અને મિલકત દ્વારા કમાવાયેલ આવક ગયા વર્ષે £9.8 મિલિયન હતી જેમાં ગયા વર્ષ કરતા એક ટકાનો ઘટાડો થયો હતો. રોયલ હાઉસહોલ્ડને રોગચાળા અને ફુગાવાના દબાણની પણ અસર થઇ હતી. જેને કારણે શાહી અનામતમાંથી £21 મિલિયનથી વધુની રકમ લેવામાં આવી છે.
દેશભરના શાહી મહેલોમાં હીટીંગ બિલ ઘટાડવા માટે લેવાયેલા પગલાને પરિણામે કુદરતી ગેસ અને હીટિંગના ખર્ચમાં 19 ટકાનો ઘટાડો થયો છે. ખર્ચા ઘટાડવા મહેમાનો, સ્ટાફ અને રાજવી પરિવારે શિયાળા દરમિયાન ગરમીનું થર્મોસ્ટેટ 19 ડીગ્રી સેલ્સીયસ પર સેટ કર્યું હતું જ્યારે ખાલી રૂમોમાં તેનાથી પણ ઓછું તાપમાન રખાયું હતું.
શાહી પરિવારના સ્ટાફને લગભગ 5 થી 6 ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો હતો. ખાવા-પીવાની કિંમત 2022માં £600,000થી વધીને £1.5 મિલિયન થઈ ગઈ છે. કુલ 12-મહિનાના સમયગાળામાં, શાહી પરિવારે 107 રિસેપ્શન, 142 લંચ અને આફ્ટરનૂન ટી, 44 ઇન્વેસ્ટિચર, સાત ગાર્ડન પાર્ટી અને 38 ડિનર દરમિયાન 95,000 થી વધુ મહેમાનોનું સત્તાવાર નિવાસસ્થાન પર સ્વાગત કર્યું હતું.