26મી જૂન 2023ના રોજ ધ હાઉસ ઓફ કોમન્સના પેલેસ ઑફ વેસ્ટમિન્સ્ટર ખાતે સુરેશ કુમારના ‘ફોલો ધેટ ડ્રીમ’ના પુસ્તકનું 125 મહેમાનોની ઉપસ્થિતીમાં વિમોચન કરાયું હતું.
આ કાર્યક્રમમાં કાર્યક્રમના આયોજક લોર્ડ આર્ચર, લોર્ડ રેમી રેન્જર, બોબ બ્લેકમેન (એમપી હેરો ઈસ્ટ), વિરેન્દ્ર શર્મા (એમપી ઈલીંગ સાઉથોલ), કાઉન્સિલર કીથ પ્રિન્સ (લંડન એસેમ્બલી મેમ્બર રેડબ્રિજ એન્ડ હેવરીંગ), કાઉન્સિલર અંજના પટેલ, નીરજ અરોરા (યુકે હેડ સોની ટીવી), ચીફ સુપરિન્ટેન્ડેન્ટ કાર્લ લિન્ડલી-(મેટ પોલીસ), ડૉ. હની કલારિયા (બોલિવૂડ એમ્બેસેડર), સિંગિંગ સેન્સેશન નવીન કુન્દ્રાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
‘ફૉલો ધેટ ડ્રીમ’ એ સુરેશ કુમારના ભારતમાં રહેતા માતા-પિતાના જીવનની વાર્તા છે. જેમાં ગ્રેટ બ્રિટનની મુસાફરી, નવી શરૂઆત અને પ્રારંભિક જીવનમાં સુરેશ કુમારે કરેલા સંઘર્ષો અને મોટા પડકારોનો કઇ રીતે સામનો કર્યો તેનું વર્ણન કરાયું છે. તો સાંસ્કૃતિક રીતે અલગ વિશ્વમાં આવી પહોંચેલા એક યુવાનની રસપ્રદ અને ગતિશીલ વાર્તા છે.
સુરેશ કુમારે કહ્યું હતું કે ‘’મેં માતા ઈન્દ્રની યાદમાં ઈસ્ટ લંડનમાં ઈન્દ્રા ટ્રાવેલની સ્થાપના કરી હતી. ફૉલો ધેટ ડ્રીમ એ બધા પરિવારોને સમર્પિત છે જેમણે મારા પરિવારની જેમ જ મુસાફરી કરી છે. મારી વાર્તા અનન્ય નથી અને તે વિશ્વના ઘણા ઘરોમાં ઘટી છે. અમને આ દેશના ફેબ્રિક બનવાની તકો આપવા બદલ અમે ગ્રેટ બ્રિટનના ઋણી છીએ અને માટે તેને ઘર કહીએ છીએ. વેબસાઇટ www.sureshkumar.co.uk