(Photo by read PUNIT PARANJPE/AFP via Getty Images)

આદિપુરુષની નિષ્ફળતાને ભૂલીને પ્રભાસે નવા ફિલ્મ પ્રોજેક્ટ K પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં છે. સાઉથ અને બોલિવૂડનું કોમ્બિનેશન ધરાવતી આ ફિલ્મમાં કમલ હાસનની એન્ટ્રી થઈ છે. આ સાથે કમલ હાસન અને અમિતાભ બચ્ચન 38 વર્ષ પછી સાથે કોઈ ફિલ્મમાં કામ કરશે.

પ્રોજેક્ટ Kમાં કમલ હાસનના સમાવેશ અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેમાં કમલ હાસનના રોલના વિઝ્યુઅલ્સ જોવા મળે છે. આ નાના વીડિયોની સાથે ઈન્ટ્રોડક્શન પણ અપાયું છે. જેમાં જણાવાયું છે અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પદુકોણ અને દિશા પટણી પછી હવે કમલ હાસને પણ પ્રોજેક્ટ Kમાં આવ્યા છે. નાગઅશ્વિન આ ફિલ્મના દિગ્દર્શક છે.

અગાઉ એવી વાત હતી કે આ ફિલ્મમાં કમલ હાસન વિલનનો રોલ કરે તેવી શક્યતા હતી. પરંતુ અધિકૃત જાહેરાતમાં કમલ હાસનની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરાઈ નથી. જોકે, આ ફિલ્મ માટે કમલ હાસનને રૂ.150 કરોડની ફી અપાઈ હોવાનું કહેવાય છે. ફિલ્મનું 70 ટકા જેટલું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં દીપિકા-અમિતાભના ભાગનું શૂટિંગ પણ પૂર્ણ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ અને સાઉથનું કોમ્બિનેશન ચાર દાયકા અગાઉ ખૂબ મજબૂત હતું. તે સમયે બોલિવૂડના એન્ગ્રી યંગમેન અમિતાભ બચ્ચનની સાથે સાઉથના સુપર સ્ટાર કમલ હાસન અને રજનીકાંતે પણ ફિલ્મો કરી હતી. છેલ્લે ૧૯૮૫ના વર્ષમાં આ ત્રણેય સ્ટાર્સ ગિરફ્તાર ફિલ્મમાં સાથે હતા. રજનીકાંતે અમિતાભ બચ્ચનના મિત્રના રોલમાં કેમિયો કર્યો હતો. તે વર્ષે આ ફિલ્મે સૌથી વધુ આવક મેળવી હતી.

ગિરફ્તાર પહેલાં અમિતાભ બચ્ચન અને કમલ હાસન ‘ખબરદાર’ ફિલ્મ સાથે કરવાના હતા. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અમિતાભ બચ્ચને અચાનક છેડો ફાડ્યો હતો. આ ફિલ્મમાં શ્રીદેવી લીડ રોલમાં હતી. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ આનંદ જેવી સ્ટોરી ખબરદારમાં હતી.

સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર્સ આ ફિલ્મ બનાવી રહ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચને ગંભીર પ્રકૃતિના ડોક્ટરનો રોલ કર્યો હતો અને મનમોજી દર્દીના રોલમાં કમલ હાસન હતા. બચ્ચને અધવચ્ચે ફિલ્મ પડતી મૂકતાં એવી ચર્ચા ચાલી હતી કે, ફિલ્મમાં કમલ હાસનને વધારે મોટો અને અસરકારક રોલ અપાયો હોવાનું લાગતાં તેમણે ફિલ્મ છોડી દીધી હતી.

LEAVE A REPLY