તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા), 1999 હેઠળ દાખલ કરાયેલા કથિત કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી સોમવારે પૂછપરછ કરી હતી. રિલાયન્સ ગ્રૂપના વડા સવારે 10 વાગે મુંબઈમાં એજન્સીની ઓફિસે પહોંચ્યાં હતાં અને તેમનું નિવેદન નોંધાવીને નીકળી ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની કંપનીઓમાં રોકાણ સાથે જોડાયેલો આ એક તાજો મામલો છે.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, બોમ્બે હાઈકોર્ટે ₹420 કરોડની કથિત કરચોરીના કેસના સંબંધમાં અનિલ અંબાણીને રાહત આપીને આવકવેરા વિભાગને તેમની સામે જબરદસ્તીના કોઇ પગલાં ન લેવા આદેશ આપ્યો હતો. રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના અવસાનના થોડા વર્ષો પછી અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે રિલાયન્સ સામ્રાજ્યના ભાગલા પડ્યાં હતા. આ પછી મુકેશ અંબાણી એક પછી એક સફળતાના શિખર સર કરતા ગયા છે અને હાલમાં તેઓ ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગણાય છે, જ્યારે તેનાથી વિપરીત અનિલ અંબાણીએ તમામ ઉદ્યોગોમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે અને તેના કારણે તેઓ દેવાના ડુંગર નીચે દબાયેલા છે.