REUTERS/Dylan Martinez

વિશ્વની સૌથી લોકપ્રિય, ગ્રાંડ સ્લેમ તરીકે ઓળખાતી ચાર ટેનિસ ટુર્નામેન્ટ્સમાંની એક, વિમ્બલ્ડનનો સોમવારથી આરંભ થઈ ગયો છે, ત્યારે આ વર્ષે સિંગલ્સમાં પુરૂષો કે મહિલાઓ – એકેય વર્ગમાં એકપણ ભારતીય ટેનિસ ખેલાડી સ્પર્ધામાં નથી. વાસ્તવમાં સાનિયા મિર્ઝા પછી ભારતની એકપણ ટેનિસ પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કૌવત દાખવી શકી નથી. સાનિયા મીર્ઝાએ ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. જો કે, આ વર્ષે તે વિમ્બલ્ડનમાં લેડીઝ લેજેન્ડ્સ ઈન્વિટેશન ડબલ્સની ખાસ કેટેગરીમાં ભાગ લેવાની છે. મહિલા સિંગલ્સમાં ભારતની એકમાત્ર ખેલાડી અંકિતા રૈના ક્વોલિફાઈંગ સ્ટેજમાં પહેલા જ મુકાબલામાં હારી જતી મેઈન ડ્રોમાં પ્રવેશી શકી નહોતી. 

રોહન બોપન્ના એકમાત્ર પુરૂષ ખેલાડી મેઈન સ્ટેજમાં સ્પર્ધામાં છે, તે પુરૂષોની ડબલ્સમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન સાથે રમવાનો છે. રોહને એ બાબતે ખેદ પણ વ્યક્ત કર્યો હતો કે વિમ્બલ્ડનમાં સાથી ભારતીય સ્પર્ધક તરીકે એકપણ ભારતીય ખેલાડીની કંપની આ વર્ષે તેને મળવાની નથી. 

પુરૂષોના ડબલ્સના મુકાબલામાં યુકી ભામ્બ્રી – સાકેત માયનેની અને એન. શ્રીરામ બાલાજી – જીવન નેદુન્ચેળિયનની એમ બે પેર ઓલ્ટરનેટિવ્સના લિસ્ટમાં છે. અહીં ઓલ્ટરનેટિવ્સનો અર્થ એવો થાય છે કે મેઈન ડ્રોમાં રમનારી કોઈપણ જોડી સ્પર્ધામાંથી કોઈપણ કારણે ખસી જાય તો આ ઓલ્ટરનેટિવ્સની જોડીને તક મળે.

એક સમયે ભારતના વિજય અમૃતરાજ, રામનાથન ક્રિષ્નન, મહેશ ભૂપતિ, લીએન્ડર પેસ તથા સાનિયા મિર્ઝા સતત કોઈ ને કોઈ ગ્રાંડ સ્લેમમાં મુખ્ય સ્પર્ધામાં રમતા રહ્યા હતા અને પુરૂષોની ડબલ્સ, મહિલા ડબલ્સ કે મિક્સ્ડ ડબલ્સમાં તો તેઓ ચેમ્પિયન્સ પણ રહી ચૂક્યા છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ટેનિસમાં ભારત અને ભારતીય ખેલાડીઓના જાણે વળતા પાણી થયા છે.   

LEAVE A REPLY