બોસ્ટનના ફેડરલ જ્યુરીએ ઇન્ડિયન અમેરિકન એટર્ની સામે ક્લાયન્ટ્સ સાથે 5 મિલિયન ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ એટર્ની અગાઉ અમેરિકામાં પ્રતિનિધિગૃહની ચૂંટણી પણ લડ્યાં હતા. ભારત સ્થિત બિઝનેસ-ટુ- બિઝનેસ સપ્લાય કંપની સાથે લાખ્ખો ડોલરની છેતરપિંડી કરવાના આરોપમાં ગયા સપ્તાહે 50 વર્ષના અભિજીત “બીજ” દાસની ધરપકડ કરાઈ હતી. દાસે બિઝનેસ અને વ્યક્તિગત ખર્ચા માટે ક્લાયન્ટના એસ્ક્રો ફંડનો ઉપયોગ કર્યો હતો અને ફ્લોરિડામાં 2.7 મિલિયન ડોલરનું ઘર ખરીદ્યું હતું.
મેસેચ્યુસેટ્સના થર્ડ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ભૂતપૂર્વ ઉમેદવાર દાસ સામે ફ્રોડના દસ આરોપ મૂકાયા હતાં. આ દસમાં નવ આરોપમાં મહત્તમ 20 વર્ષની જેલ સજા થઈ શકે છે.
ન્યાય વિભાગના અખબારી નિવેદન મુજબ દાસ ટ્રોકા ગ્લોબલ એડવાઇઝર્સ નામની બુટિક લૉ એન્ડ એડવાઇઝરી ફર્મના પ્રિન્સિપલ મેનેજર હતાં. આ કંપની બોસ્ટન અને ન્યૂયોર્ક ઓફિસ ધરાવતી હતી. મે 2020ની શરૂઆતમાં દાસે ભારતમાં બે ટ્વીન્સ બ્રધર્સ અને તેમની લોજિસ્ટિકલ સપ્લાય કંપનીને કાનૂની અને એસ્ક્રો સર્વિસ આપવાનું ચાલુ કર્યું હતું. આ કંપની કોરોના મહામારી દરમિયાન પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ના મોટા શિપમેન્ટનું સંકલન કરતી હતી. દાસે આ ક્લાયન્ટના એસ્ક્રો એકાઉન્ટના 5 મિલિયન ડોલર બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતા.