(ANI Photo)

કેન્દ્રમાં સત્તાધારી ભાજપના ટોચના નેતાઓની શ્રેણીબદ્ધ બેઠકો પછી મોદી કેબિનેટમાં ફેરબદલની વ્યાપક અટકળો થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સોમવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક પણ  યોજાવાની છે.

ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા અજિત પવારના બળવા પછીની રાજકીય ઉથલપાથલ તથા ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની સંખ્યાબંધ બંધ બારણે બેઠકો પછી એવી અટકળોને વેગ મળ્યો છે કે કેન્દ્રીય કેબિનેટમાં ટૂંકસમયમાં ફેરબદલ થશે. લોકસભાની ચૂંટણી અને કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટનું પુનર્ગઠન કરવામાં આવી શકે છે.

NCPના વરિષ્ઠ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલ કેન્દ્રીય કેબિનેટમાં જોડાય તેવી શક્યતા છે. એનસીપીના બળવાખોર નેતાઓમાં પ્રફુલ પટેલ પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે અજિત પવારે શપથ લીધા છે ત્યારે એવી પણ અટકળો થઈ રહી છે કે હાલના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસને કેન્દ્ર સરકારમાં સામેલ કરવામાં આવશે.

પક્ષના સૂત્રો સંકેત આપી રહ્યા છે કે મોદી તેમની કેબિનેટમાં ફેરફાર કરશે ત્યારે સાથી પક્ષોને કેબિનેટમાં પ્રતિનિધિત્વ અપાશે. સંસદનું ચોમાસુ સત્ર પણ 20 જુલાઈ ચાલુ થઈ રહ્યું છે, તેથી સંસદના સત્ર પહેલા કેબિનેટનું પુર્નગઠન કરવા માટે હવે મર્યાદિત સમય છે. આ હકીકતને કારણે પણ કેબિનેટમાં ફેરબદલની ચર્ચાને વેગ મળ્યો છે.

LEAVE A REPLY