(ANI Photo)

ગુજરાતમાં 25 જૂને ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયા પછી જૂન મહિનામાં એક દાયકાનો સૌથી વધુ વરસાદ થયો હતો. રાજ્યમાં 30 જૂન સુધીમાં સરેરાશ 243મીમી (9.76 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે 877મીમીના સિઝનના સરેરાશ વરસાદના આશરે 27.7 ટકા છે. જૂન મહિનાનો આ વરસાદ 2015 પછીનો સૌથી વધુ છે.

સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં સીઝનનો સરેરાશ 13 ટકા વરસાદ થતો હોય છે. આમ જૂન મહિનામાં સામાન્ય કરતાં બમણો વરસાદ થયો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના નિષ્ણાતો આ બમ્પર વરસાદ માટે જૂનની શરૂઆતમાં ચક્રવાત બિપરજોયની અસર અને ચોમાસાની મજબૂત શરૂઆતને કારણભૂત માને છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં ગયા અઠવાડિયે નોંધપાત્ર વરસાદ થયો હતો. અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં શુક્રવારે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. શનિવારે વરસાદ પૂર્વ તરફ આગળ વધ્યો હતો અને નદી કાંઠાના વિસ્તારોમાં રાતના 8 વાગ્યા સુધી લગભગ 0.78 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. રામોલમાં 1.94 ઈંચ, ઓઢવમાં 1.65 ઈંચ, ચાંદખેડામાં 1.41 ઈંચ અને વિરાટનગરમાં 1.37 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના ડેટા અમદાવાદ શહેરમાં 7.99 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાંથી શુક્રવારે 2.63 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં તેના લાંબા ગાળાના સરેરાશ મોસમી વરસાદના 25 ટકા વરસાદ થયો છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના ડેટા મુજબ રાજ્યના 251 તાલુકાઓમાંથી 84 તાલુકામાં અથવા એક તૃતીયાંશમાં 250 મીમી કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેમની સરેરાશ મોસમી વરસાદના 40%થી વધુ વરસાદ થઈ ચૂક્યો હતો.

ગુજરાતના 33 જિલ્લાઓમાંથી, 14માં પહેલેથી જ તેમના મોસમી વરસાદના 25% અથવા એક ચતુર્થાંશથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છ, જૂનાગઢ અને જામનગર સીઝનનો 50 ટકાથી વધુ વરસાદ થયો હતો. શુક્રવારે ધોધમાર વરસાદ બાદ શનિવારે પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ સાથે વરસાદ ચાલુ રહ્યો હતો.

શનિવારે રાત્રે 8 વાગ્યા સુધી સોળ તાલુકામાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુરમાં 211મીમી, ખેરગામમાં 197મીમી સાથે, વિસાવદરમાં 165મીમી, કપરાડામાં 157મીમી સાથે અને પારડીમાં 155મીમી વરસાદ નોંધાયો હતો. શનિવારે રાજ્યના લગભગ તમામ ભાગોમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનામાં નવ લોકોના મોત થયાં હતાં. જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, સુરત અને તાપી જિલ્લામાં દિવસ દરમિયાન ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં શુક્રવારે બપોરે 12 વાગ્યે પૂરા થતા 30 કલાકમાં 299 મીમી વરસાદ નોંધાયો હતો.

ગુરુવારે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં પંચમહાલ જિલ્લામાં ચાર અને આણંદમાં બે બાળકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત જામનગર અને અરવલ્લી જિલ્લામાં ગુરુવારે બે પુરૂષો ડૂબી ગયા હતા. શુક્રવારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં એક મહિલા પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી.

LEAVE A REPLY