બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે શનિવાર, પહેલી જુલાઈથી 62 દિવસ લાંબી અમરનાથ યાત્રાનો ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રારંભ થયો હતો. અનંતનાગ જિલ્લામાં પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લામાં બાલતાલ ટ્રેકથી એકસાથે હિમાલયમાં 3,888 મીટરની ઊંચાઈએ આવેલા બાબા બર્ફાનાની દર્શન માટે યાત્રાનો એકસાથે પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને નવા ઉત્સાહ અને ઊર્જાની શુભેચ્છા પાઠવી હતી. બાલતાલ બેઝ કેમ્પમાં સેંકડો યાત્રાળુઓ વહેલી સવારથી એક્સેસ કંટ્રોલ ગેટ પર લાઇનમાં ઉભાં રહ્યાં હતા. ગાંદરબલના ડેપ્યુટી કમિશનર શ્યામબીર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ 6,000 યાત્રાળુઓની પ્રથમ બેચને રવાના કરી હતી. આર્મીએ સ્નાઈપર્સ, એન્ટી ડ્રોન સિસ્ટમ્સ, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની તૈનાતી સાથે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે. આ વર્ષની યાત્રા અત્યાર સુધીની સૌથી લાંબી છે. યાત્રા 31 ઓગસ્ટે રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થશે.