ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૨૭ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ એટલેકે ૩૯૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ તથા રાજ્યના અન્ય ૧૩ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૮૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૨૬૯ મિ.મી., કપરાડામાં ૨૪૭ મિ.મી., અંજારમાં ૨૩૯ મિ.મી., ખેરગામમાં ૨૨૨ મિ.મી., ભેંસાણમાં ૨૦૪ મિ.મી મળી કુલ ૬ તાલુકાઓમાં ૮ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બગસરામાં ૧૯૭ મિ.મી., બેચરાજીમાં ૧૭૨ મિ.મી., ધરમપુરમાં ૧૭૦ મિ.મી., રાજુલામાં ૧૬૭ મિ.મી., ચીખલીમાં ૧૫૮ મિ.મી., ડાંગ (આહ્વા)માં ૧૫૫ મિ.મી., વઘઈમાં ૧૫૪ મિ.મી. એમ કુલ ૧૩ તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં ૧૪૮ મિ.મી., વલસાડમાં ૧૪૧ મિ.મી., વંથલી અને વાંસદામાં ૧૪૦ મિ.મી., જામકંડોરણામાં ૧૩૬ મિ.મી., એમ કુલ ૩૬ તાલુકાઓમાં ૪ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૭.૭૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૩૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૧.૧૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૭.૬૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૦.૮૧ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૧૬.૫૯ ટકા મોસમનો કુલ સરેરાશ નોંધાયો હોવાના અહેવાલ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ખેડૂતોમાં આનંદ છવાયો છે. તમામ ૩૩ જિલ્લામાં સર્વત્ર વરસાદ થતા ખેડૂતોએ મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, અડદ, મગ, સોયાબીન અને તલ જેવા ખરીફ પાકોના વાવેતરની તૈયારીઓ કરી લીધી છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસેલા શ્રીકાર વરસાદના પરિણામે પાણીની આવક થતા રાજ્યના ડેમો અને જળાશયો પોતાની છલક સપાટીએ છે. જેથી વર્ષ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાલાયક પાણી મળી રહેશે.