(Photo by STRDEL/AFP via Getty Images)
સાઉથ ઇન્ડિયન ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલે 2007ના વર્ષમાં પ્રથમ ફિલ્મ કરી હતી. અત્યાર સુધીમાં સાઉથ અને બોલિવૂડની 55 ફિલ્મો કરનારી કાજલ અગ્રવાલે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેમનો દીકરો નીલ એક વર્ષનો થયો છે. દીકરાને સમય નહીં આપી શકાતો હોવાથી કાજલે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાની તૈયારી કરી છે. કાજલ અત્યારે નંદમુરી બાલક્રિશ્ના સાથે ફિલ્મ ભગવંત કેસરી અને કમલ હાસન સાથે ઈન્ડિયન 2 નામની ફિલ્મ કરી રહી છે. આ બંને ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી કાજલ ફિલ્મોમાંથી વિદાય લેવાનું વિચારી રહી છે.
કાજલે મગધીરાથી લઇને સિંઘમ સુધી અનેક યાદગાર ફિલ્મોમાં રોલ કર્યા છે. કાજલે લગ્ન પછી થોડો સમય ફિલ્મોમાં બ્રેક લીધો હતો. કાજલે કેટલાક મહિનાથી ફરી શૂટિંગ શરૂ કર્યું છે, પરંતુ તેના કારણે દીકરા નીલને ઓછો સમય આપી શકાતો હોવાનું કાજલને લાગે છે. કાજલે હાથ પરની બે ફિલ્મો પૂરી થયા પછી નવા પ્રોજેક્ટ હાથમાં નહીં લેવાનું વિચાર્યું છે. જોકે, કાજલ હંમેશા માટે એક્ટિંગમાંથી નિવૃત્તિ લેશે કે પછી અનુષ્કા શર્માની જેમ કમબેક કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
કાજલે તાજેતરમાં ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો ફોટોગ્રાફ મૂક્યો હતો. પોસ્ટમાં કાજલે જણાવ્યું હતું કે, કમિટમેન્ટ્સ પૂરા થયા હોય અને વચ્ચે રાહતનો શ્વાસ મળ્યો હોય ત્યારની તસવીર. કાજલના આ ફોટોગ્રાફ અને કેપ્શન બાદ તેમની નિવૃત્તિની અટકળોને વેગ મળ્યો છે. કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુના પરિવારમાં મે, 2022ના રોજ દીકરા નીલનો જન્મ થયો હતો.

LEAVE A REPLY