ટેક્સી સર્વિસ ઉબરનો ઉપયોગ કરી 800 ભારતીયોને કેનેડાથી અમેરિકામાં ધુસણખોરી કરાનારા ડ્રાઇવર રાજિન્દર પાલ સિંઘને અમેરિકાની કોર્ટે ત્રણ વર્ષની જેલસજા ફટકારી હતી. સિંઘને જેલની સજા પછી ડિપોર્ટ કરાશે.
ન્યાય વિભાગે જણાવ્યું હતું કે આરોપી રાજીન્દર પાલ સિંઘ ઉર્ફે જસપાલ ગીલે ફેબ્રુઆરીમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેના માનવ તસ્કરી રિંગના મુખ્ય સભ્ય 500,000 ડોલર લીધા હતાં અને સેંકડો ભારતીય નાગરિકોને કેનેડાની બોર્ડર પાર કરાવીને અમેરિકા ઘુસાડ્યા હતાં.
કેલિફોર્નિયાના રહેવાસી સિંઘને મંગળવારે મની લોન્ડરિંગ કરવાના ષડયંત્ર સહિતના ગુનાઓમાં 45 મહિનાની જેલની સજા કરાઈ હતી. યુએસ એટર્ની ટેસા એમ ગોર્મને જણાવ્યું હતું કે ચાર વર્ષના ગાળામાં સિંઘે 800થી વધુ લોકોને ઉત્તરીય સરહદ પાર કરાવીને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરી હતી.
ન્યાયધીશે કહ્યું કે સિંઘની કરતૂતો વોશિંગ્ટનની સુરક્ષા માટે ખતરો છે. સિંઘે અમેરિકામાં વધુ સારા જીવનની આશા સાથે ભારતીયોને આ ષડયંત્રનો શિકાર બનાવ્યા અને સાથે જ તેમને 70,000 ડોલરના દેવા હેઠળ દબાવી દીધા હતા. કેસના દસ્તાવેજો અનુસાર સિંઘ અને તેના સહ-ષડયંત્રકારોએ ઉબરનો ઉપયોગ એવા લોકો માટે કર્યો હતો જેઓ ગેરકાયદેસર રીતે કેનેડાથી સિએટલ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં આવ્યાં હતાં.
જુલાઇ 2018થી સિંઘ અને તેના સહ-ષડયંત્રકારોએ કેનેડાથી સિએટલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવવા માટે ઉબરનો ઉપયોગ કર્યો હતો. 2018ના મધ્યથી મે 2022 સુધી સિંઘે 600થી વધુ ટ્રિપનું આયોજન કર્યું હતું, જેમાં ગેરકાયદેસર રીતે યુએસમાં લવાયેલા ભારતીય નાગરિકોની ટ્રિપનો પણ સમાવેશ થાય છે. તપાસના અંદાજ મુજબ જુલાઈ 2018 અને એપ્રિલ 2022ની વચ્ચે દાણચોરી સાથે જોડાયેલા 17 ઉબર એકાઉન્ટ્સ પર $80,000થી વધુનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.આ કેસની તપાસ કરતી ટીમને કેલિફોર્નિયામાં સિંઘના એક ઘરેથી લગભગ $45,000 રોકડ અને નકલી ઓળખ દસ્તાવેજો પણ મળ્યા હતા.