વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સમાન નાગરિક સંહિતા (UCC)ની જોરદાર તરફેણ કર્યા પછી આ અંગે દેશભરમાં ચર્ચા છેડાઈ છે. આમ આદમી પાર્ટી (AAP)એ UCCને સૈદ્ધાંતિક સમર્થન આપ્યું હતું, પરંતુ કહ્યું હતું કે તમામ પક્ષકારો સાથે વ્યાપક પરામર્શ પછી સર્વસંમતિ સાથે તેનો અમલ કરવો જોઇએ. જોકે કોંગ્રેસ સહિતના બીજા વિરોધ પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. AAPના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે જણાવ્યું હતું કે AAP સૈદ્ધાંતિક રીતે UCCને સમર્થન આપે છે. બંધારણની કલમ 44 પણ તેને સમર્થન આપે છે. અમે માનીએ છીએ કે આવા મુદ્દાઓ પર આપણે સર્વસંમતિ સાથે આગળ વધવું જોઈએ.
જોકે કેટલાક વિરોધ પક્ષોએ UCC અંગેની પીએમની ટીપ્પણીની આકરી નિંદા કરી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી બેરોજગારી અને મણિપુર હિંસા જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવી ટિપ્પણી કરી રહ્યા છે. એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સવાલ કર્યો હતો કે શું યુસીસીના નામે દેશની વિવિધતાને છીનવી લેવામાં આવશે. વિરોધ પક્ષો પર કોમવાદી એંગલ લાવવાનો આક્ષેપ કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથે જણાવ્યું હતું કે અમે જે કરવા જઈ રહ્યા છીએ તે બંધારણમાં લખાયેલું છે. અમે તે વચન પૂરું કરવા જઈ રહ્યાં છીએ.
કાયદા પંચના ચેરમેન જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ બુધવારે જણાવ્યું હતું કે જાહેર વિચારવિમર્શ પ્રક્રિયા શરૂ કર્યાના માત્ર બે અઠવાડિયામાં જ પેનલને 8.5 લાખ પ્રતિસાદ મળ્યા છે. વિશ્વ હિંદુ પરિષદે પીએમ મોદીની ટીપ્પણીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે દેશમાં તેના અમલ સાથે મહિલાઓ સામે ભેદભાવ દૂર થશે.