રાજદ્રોહના કાયદાને રદ્દ કરવાની વ્યાપક માગણી થઈ રહી છે ત્યારે કાયદા પંચના અધ્યક્ષ ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીએ મંગળવારે જણાવ્યું હતું કે કાશ્મીરથી કેરળ અને પંજાબથી ઉત્તરપૂર્વ સહિતના દેશના ઘણા વિસ્તારોની સ્થિતિને જોતા ભારતની સલામતી અને અખંડિતતાની સુરક્ષા માટે આ કાયદો એક મહત્વપૂર્ણ સાધન છે.
કાયદાને જાળવી રાખવા માટેની કાયદા પંચની ભલામણનો બચાવ કરતા તેમણે કહ્યું હતું કે તેના દુરુપયોગને રોકવા માટે પૂરતા પગલાંની દરખાસ્ત કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના મે મહિનામાં સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આ કાયદો હાલમાં મોકૂફ છે.
તેમણે એક ઇન્ટરવ્યૂમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) ધારો અને રાષ્ટ્રીય સુરક્ષા ધારો જેવા વિશેષ કાયદા વિવિધ ક્ષેત્રોમાં અમલી છે અને રાજદ્રોહના ગુનાને આવરી લેતા નથી. તેથી રાજદ્રોહ પરનો ચોક્કસ કાયદો પણ હોવો જરૂરી છે. રાજદ્રોહ પરના કાયદાના ઉપયોગ પર વિચારણા કરતી વખતે પેનલે શોધી કાઢ્યું છે કાશ્મીરથી કેરળ અને પંજાબથી ઉત્તર-પૂર્વ સુધી હાલની સ્થિતિ એવી છે કે ભારતની એકતા અને અખંડિતતાની સુરક્ષા માટે રાજદ્રોહ પરનો કાયદો જરૂરી છે. આ કાયદો બ્રિટિશ જમાનાનો હોવાથી તેને નાબૂદ કરી શકાય નહીં. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા ઘણા દેશોમાં તેમના પોતાના આવા કાયદા છે.
ગયા મહિને સરકારને સુપરત કરવામાં આવેલા તેના અહેવાલમાં જસ્ટિસ અવસ્થીની આગેવાની હેઠળના 22મા કાયદા પંચે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 124A જાળવી રાખવાનું સમર્થન કર્યું હતું. જોકે દુરુપયોગને રોકવાના પગલાં લેવાની ભલામણ કરી હતી. આવી ભલામણને પગલે રાજકીય વિવાદ ઊભો થયો હતો. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે તે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ સામેના અવાજો અને અસંમતિ દબાવવાનો પ્રયાસ છે. સરકારે જણાવ્યું હતું કે તે તમામ પક્ષકારો સાથે વિચારવિમર્શ કર્યા પછી નિર્ણય કરશે અને આ ભલામણો બંધનકર્તા નથી. જોકે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સરકાર રાજદ્રોહના કાયદાને વધુ આકરો બનાવવા માંગે છે.