ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે વૈધાનિક લઘુત્તમ વેતન નહિં ચૂકવનાર કંપનીઓમાં WH સ્મિથ, માર્ક્સ એન્ડ સ્પેન્સર, આરગોસ સહિત લો ફર્મ લેક્સ લીગલ (યુકે) લિમિટેડ પણ સામેલ હોવાનું અને તે કથિત રીતે 10 કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં નિષ્ફળ રહી હોવાની જાહેરાત કરી હતી. સરકારે આવા 200 એમ્પ્લોયરોમાંના નામની જાહેરાત કરી હતી.
લેક્સ લીગલની સ્થાપના અયુબ પટેલ દ્વારા 2012માં કરાઇ હતી અને દાવો કરાય છે કે તે કન્વેયન્સીંગ, ઇમિગ્રેશન, વિલ્સ અને પ્રોબેટ અને પર્સનલ ઇન્જરીમાં નિષ્ણાત છે અને 50થી વધુ કર્મચારીઓની ટીમ ધરાવે છે.
પટેલે જણાવ્યું હતું કે લગભગ ચાર વર્ષ પહેલાં પ્રથમ બે વર્ષની નોકરી પછી એપ્રેન્ટિસના વેતનમાં આપોઆપ વધારો થયો ન હતો. આ બહારની પે રોલ કંપનીની ભૂલ હતી અને બાકી રહેતા તમામ નાણાં સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવ્યા છે.
ઓછો પગાર ચૂકવવાના કારણે કુલ 63,000 લોકોના ખિસ્સાને અસર થઇ હતી અને એમ્પ્લોયરોને લગભગ £7 મિલિયનનો દંડ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો.
એપ્રિલમાં લઘુત્તમ વેતન 9.7% વધ્યું હતું. જેને પગલે હવે 23 અને તેથી વધુ વયના લોકોનું લઘુત્તમ વેતન £10.42 પ્રતિ કલાક, 21 થી 22 વર્ષની વયના લોકોનું વેતન £10.18, 18થી 20 વર્ષની વયના લોકોનું વેતન £7.49 અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને એપ્રેન્ટિસનું વેતન £5.28 છે.