કિંગ ચાર્લ્સ III શનિવાર તા. 17 જૂનના રોજ યુકેમાં પોતાના સત્તાવાર જન્મદિવસની ઉજવણીને ચિહ્નિત કરતી પ્રથમ ટ્રુપિંગ ધ કલર પરેડ માટે ઘોડા પર સવારી કરનાર 30 વર્ષમાં પ્રથમ બ્રિટિશ રાજા બન્યા હતા.
ગયા વર્ષે 14 નવેમ્બરના રોજ 74 વર્ષના થયેલા ચાર્લ્સના જન્મદિવસની ઉજવણી શાહી પરંપરા મુજબ તા. 17ના રોજ પરેડ દ્વારા કરાઇ હતી. રાજાની બર્થડે પરેડમાં 1,400 લશ્કરી અધિકારીઓ સાથે 200 ઘોડાઓ, 10 બેન્ડના 400 સંગીતકારો અને ડ્રમ્સના કોર્પ્સનો સમાવેશ થાય છે.
મહારાજા ચાર્લ્સ સેન્ટ્રલ લંડનમાં મોલમાંથી બકિંગહામ પેલેસ સુધીની પરેડમાં ઘોડા પર સવાર થઈને તેની સાથે જોડાયા હતા. તેમની સાથે રાજાના પુત્ર અને વારસદાર પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ, રાજાની બહેન પ્રિન્સેસ રોયલ એની, ભાઈ ડ્યુક ઓફ એડિનબરા એડવર્ડ પણ જોડાયા હતા. તો ઘોડાગાડીમાં તેમની પાછળ રાણી કેમિલા, વિલિયમની પત્ની કેથરિન અને તેમના ત્રણ બાળકો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લુઈસ જોડાયા હતા.
ક્વીન એલિઝાબેથ II ના અવસાન પછી આ પ્રથમ ટ્રુપિંગ ધ કલર પરેડ છે. રાણી છેલ્લે 1986માં વાર્ષિક પરેડમાં ઘોડા પર સવાર થયાં હતાં. વડા પ્રધાન ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિ સહિત લગભગ 8,000 લોકો પરેડ જોવા ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ પછી શાહીપરિવારે બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી વિસ્તૃત લશ્કરી ફ્લાયપાસ્ટ જોઇ હતી. રોયલ નેવી, બ્રિટિશ આર્મી અને રોયલ એરફોર્સના લગભગ 70 એરક્રાફ્ટે ભાગ લીધો હતો.