પ્રતિકાત્મક ફોટો (istockphoto.com)

બ્રિટનનો વાર્ષિક ફુગાવાનો દર મે મહિનામાં અણધારી રીતે 8.7 ટકા રહ્યા બાદ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ફરીથી વ્યાજના દરમાં વધારો કર્યા બાદ  કોસ્ટ ઓફ લિવિંગ કટોકટી અંગે ચિંતીત સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. મોરગેજના દરો અને ભાડાઓ વધી રહ્યા છે, લાખો નાગરીકો ઘરખર્ચ કાઢી શકતા નથી અને પગાર વધારો વાર્ષિક ફુગાવાના દર સાથે ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ ગયો છે ત્યારે દેશની હાલત કફોડી થઇ છે.

દેશ આવતા વર્ષે સામાન્ય ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે અને સરકાર ફુગાવાને ઘટાડવા પ્રાથમિકતા બનાવી રહી છે ત્યારે તાજેતરના ડેટા વડા પ્રધાન ઋષિ સુનક માટે એક મોટો ફટકો આપે છે.

ચાન્સેલર જેરેમી હંટે તાજેતરના ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટાને પગલે જણાવ્યું હતું કે “અમે જાણીએ છીએ કે ઊંચો ફુગાવો દેશભરના પરિવારો અને બિઝનેસીસને કેટલું નુકસાન પહોંચાડે છે. અમે બેંક ઓફ ઈંગ્લેન્ડને ટેકો આપવાના અમારા સંકલ્પમાં અચકાઈશું નહીં કારણ કે તે ફુગાવાને અમારી અર્થવ્યવસ્થામાંથી બહાર કાઢવા માંગે છે.”

હરગ્રેવ્સ લેન્સડાઉનના પર્સનલ ફાઇનાન્સ હેડ સારાહ કોલ્સે નોંધ્યું હતું કે “કોર ફુગાવો ફરી વધીને, તેના 30 વર્ષમાં સૌથી વધુ દરે પહોંચ્યો છે. ઓછો ઉર્જા ખર્ચ ભાવોમાં વધારો કરશે. આવનારા મહિનાઓમાં સુપરમાર્કેટના ભાવો ધીમે ધીમે વધુ મોંઘા થશે.”

સ્વિસક્વોટ બેંકના વરિષ્ઠ વિશ્લેષક, ઇપેક ઓઝકાર્ડેસ્કાયાએ જણાવ્યું હતું કે ‘’તાજેતરના આંકડા ચેતવણી આપે છે કે યુકેમાં ફુગાવાનું દબાણ નિયંત્રણમાં નથી અને વધુ વ્યાજ દરો બ્રિટિશ પરિવારોને વધુ દબાવશે”.

સરકાર વર્ષના અંત સુધીમાં ફુગાવો ઘટાડીને પાંચ ટકા કરવા માંગે છે.

LEAVE A REPLY