ભૂતપૂર્વ GB ન્યૂઝ અને ITV સેન્ટ્રલના સ્ટાર બલવિંદર સિદ્ધુની 81 વર્ષીય પેન્શનર માતા હરબન્સ કૌરને ઘોળે દિવસે વુલ્વરહેમ્પ્ટન સિટી સેન્ટરમાં ડડલી સ્ટ્રીટ ખાતે આવેલી નેશનવાઇડ બેંકની બહાર લુંટી લેવાઇ હતી.
પ્રેઝન્ટર સિદ્ધુએ જણાવ્યું હતું કે ‘’આ ડરામણી સ્થિતીને કારણે તેઓ “હચમચી ઉઠ્યા” હતા. એક મહિલા ચોરે તેમની પાસેથી £500 છીનવી લાધા હતા. પોતાની અપંગ દિકરીની સંભાળ રાખનાર હરબન્સ કૌરે બેંકમાંથી રોકડ રકમ ઉપાડી ત્યારે એક મહિલાએ તેમનો પીછો કર્યો હતો. કથિત ઘટનાની જાણ વેસ્ટ મિડલેન્ડ પોલીસને કરવામાં આવી છે.
હાલમાં સિંગાપોર ગયેલા સિદ્ધુએ ટ્વિટર પર કહ્યું હતું કે “હું આશા રાખું છું કે મારી માતા હરબન્સ કૌરને લૂંટનારને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ પકડશે. આ પ્રકારના લોકોને પકડવાની જરૂર છે. હું ગુસ્સે છું અને તે યુવતી માટે શરમ અનુભવું છું જેણે મારી માતાને લૂંટી લીધી હતી. તે સ્ત્રી યુવાન હતી, તેણે કામ કરીને પૈસા કમાવા જોઈએ. હું સિંગાપોરમાં રહું છું અને કાફે/રેસ્ટોરન્ટમાં મારો સામાન એમ જ પડ્યો રહે છે કેમ કે મને ખાતરી આપવામાં આવી છે કે ચોરી વિશે ચિંતા ન કરવી. પણ મને આશ્ચર્ય થાય છે કે લોકો યુકેમાં કાયદો તોડતા કેમ ડરતા નથી.”