અમેરિકા સરકારે મર્યાદિત સંખ્યામાં, કેટલાક ચુનંદા ભારતીય પ્રવાસીઓ માટે વિવિધ ભારતીય સરકારી એજન્સીઝની મંજુરીને આધિન, અમેરિકામાં પ્રવેશ વખતે ત્યાંના એરપોર્ટ્સ ઉપર ઈમિગ્રેશનની લાંબી લાઈનોમાં ઉભા રહેવા કે ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ મળી શકશે, એ રીતે તેઓને પ્રવેશ માટે ઝડપી ક્લીયરન્સ મળશે. આવી સુવિધા માટે માન્ય ભારતીય પ્રવાસીઓ ઓટોમેટિક કિઓસ્ક દ્વારા અમેરિકન એરપોર્ટમાં સીધો પ્રવેશ મેળવી શકશે.
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનની પહેલના ભાગરૂપે, ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ (GEP) હેઠળ ભારતના અગાઉથી મંજૂરી ધરાવતા “ઓછા જોખમી મુસાફરો”ને ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર ઓટોમેટિક કિઓસ્ક દ્વારા પ્રવેશની ઝડપથી મંજૂરી મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલા શરૂ કરાયેલી આ સુવિધામાં 24,000 અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી ઘણા મુસાફરો વારંવાર પ્રવાસ કરે છે અને તેમાં ઉચ્ચ અધિકારીઓ, રાજકારણીઓ તથા ઉદ્યોગપતિઓના પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા ભારતીય પ્રવાસીઓએ તેની પૂર્વલાયકાતરૂપે ઓછામાં ઓછી 11 ભારતીય એજન્સીઓનું ક્લીયરન્સ મેળવવાનું રહેશે. એ માટે અરજદારે 100 ડોલરની ફી ચૂકવ્યા પછી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની અધિકૃત વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યારપછી તેની અરજી ભારતના વિદેશ મંત્રાલય મોકલવામાં આવશે.
વિદેશ મંત્રાલય એ પછી દરેક અરજી ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલયની ઓછામાં ઓછી 12 જેટલી ગુપ્તચર તથા અન્ય એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવવા માટે મોકલશે. આ એજન્સીઓમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, સીક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ, સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ, ઈન્કમ ટેક્સ વિભાગ, સીબીઆઈ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને તેની ગુપ્તચર એજન્સીઓ પાસેથી પણ પ્રવાસીની આંતરિક માહિતી લેવામાં આવે છે.
ભારતના નાણા મંત્રાલયના ખર્ચ વિભાગના વાર્ષિક રીપોર્ટ મુજબ, GEP મંજૂરી મેળવવા ઇચ્છતા ભારતીયોની ગત એક જ વર્ષ 2022-23માં ઓછામાં ઓછી 6,073 અરજીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે પડતર અરજીનો સમય ઘટાડવા માટે વિવિધ એજન્સીઓ અને વિદેશ મંત્રાલય સાથે ઘણી મીટિંગ થઇ છે, આ સમય ઘણીવાર છ મહિનાથી વધુનો હોય છે.
નાણા અને ગૃહ મંત્રાલયની સુવિધા માટે વિદેશ મંત્રાલયે એક પ્લેટફોર્મ બનાવ્યું છે, જ્યાં તે સિક્યુરિટી ક્લિયરન્સ માટે અમેરિકન કસ્ટમ્સ પાસેથી મેળવેલી તમામ અરજીઓ અપલોડ કરે છે. નાણા મંત્રાલયે ઉપલબ્ધ માહિતી દ્વારા અરજી પર કાર્યવાહી કર્યા પછી અંતિમ મંજૂરી અથવા તેના અસ્વીકારનો રીપોર્ટ તૈયાર કરવા માટે નોડલ એજન્સી તરીકે સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યૂરોને કામગીરી સોંપી છે.