કેનેડા સ્થિત ભાગેડુ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે તેને જ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાને મરાવ્યો હતો અને હવે સલમાન ખાન તેના ટાર્ગેટ પર છે. કુખ્યાત ગેંગસ્ટર સતવિન્દર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે કહ્યું હતું કે તેને તક મળશે ત્યારે તે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પણ મારી નાખશે.
કેનેડિયન પોલીસે ગોલ્ડી બ્રાર પર ઈનામ રાખ્યું છે અને ઈન્ટરપોલ પોલીસે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરેલી છે. સિદ્ધુ મુસેવાલાની હત્યાની કબૂલાત કરતાં ગોલ્ડી બ્રારે જણાવ્યું હતું કે ‘તેને આ ખૂબ જ સમજી વિચારીને કર્યું હતું. આ માટે ગમે તેટલું બલિદાન આપવા માટે અમે તૈયાર છીએ, પરંતુ જે જરૂરી હતું તે અમે કર્યું છે. મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડી બ્રારે કહ્યું, ‘તે ખૂબ જ ઘમંડી અને બદમિજાજ હતો. તેની પાસે જરૂર કરતાં વધારે પૈસા ઉપરાંત રાજકીય સત્તા અને પોલીસમાં પહોંચ હતી, જેનો તે દુરુપયોગ કરતો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી બની ગયું હતું. તેને અમારું વ્યક્તિગત નુકસાન કર્યું હતું, કેટલીક એવી ભૂલો કરી છે જે માફીને પાત્ર નહોતી.
ગેંગસ્ટરે જણાવ્યું હતું કે ‘ઘણા દિવસોથી મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે અમારું દાઉદ ઈબ્રાહિમ સાથે ગઠબંધન છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સાથે અમારી કોઈ મિત્રતા નથી. સલમાનને તો ચોક્કસ પતાવી દઈશું.