હાલમાં ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી 2023ના આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ક્વોલિફાયર્સ મેચો રમાઇ રહી છે. વર્લ્ડ કપના મેઈન સ્ટેજમાં 10 ટીમ રમશે, જેમાંથી 8 ઓટોમેટિક ક્વોલિફાઈ થઈ છે, તો બાકીના બે સ્થાન માટે 10 ટીમ ક્વોલિફાયર્સ સ્પર્ધામાં હતી. રવિવારે તેના પ્રાથમિક સ્ટેજનું ચિત્ર સ્પષ્ટ થયું હતું, તે મુજબ એલિમિનેટ થનારી ચાર ટીમો માટે સ્પર્ધા પુરી થઈ ગઈ હતી. લીગ સ્ટેજની જો કે, હજુ ચાર મેચ બાકી છે, પણ તેના પરિણામોથી હવે કોઈ ટીમની તકોમાં ફરક પડવાનો નથી.
હવે ક્વોલિફાયર્સના સુપર સિક્સ સ્ટેજ માટેની છ ટીમો નક્કી થઈ ગઈ છે. બહાર થઈ ગયેલી ચાર ટીમ્સમાં આયર્લેન્ડ, અમેરિકા, નેપાળ અને યુએઈનો સમાવેશ થાય છે. સુપર સિક્સ સ્ટેજમાં પહોંચેલી છ ટીમ્સમાં વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ્ઝ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. સુપર સિક્સ સ્ટેજના મુકાબલા 29 જુલાઈ, ગુરૂવારથી શરૂ થશે અને તે 9મી જુલાઈએ પુરા થશે.
વર્લ્ડ કપના મેઈન સ્ટેજ માટે ક્વોલિફાઈ થઈ ચૂકેલી 8 ટીમ્સમાં યજમાન ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ તથા દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. રવિવારે રમાયેલી ક્વોલિફાયર્સ સ્ટેજની મેચમાં શ્રીલંકાએ આયર્લેન્ડને 133 રને હરાવી જંગી વિજય નોંધાવ્યો હતો. એ સાથે જ, આયર્લેન્ડ માટે વર્લ્ડ કપની તકો ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું, તો શ્રીલંકાએ સુપર સિક્સ સ્ટેજમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 325 રન કર્યા હતા. ટીમ છેલ્લી ઓવરમાં એક બોલ બાકી હતો ત્યારે શ્રીલંકા ઓલઆઉટ થયું હતું. આ રીતે, આયર્લેન્ડ માટે 326 રનનો તોતિંગ ટાર્ગેટ મુકાયો હતો, પણ ટીમ ફક્ત 31 ઓવર્સમાં 192 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના પગલે શ્રીલંકાનો 133 રને જંગી વિજય થયો હતો. શ્રીલંકા તરફથી દિમુથ કરુણારત્નેએ શાનદાર સદી કરી હતી, તો વાનિંદુ હસરંગાએ સતત ત્રીજી મેચમાં પાંચ વિકેટ લીધી હતી.