આઈએમએફ પાસેથી બેઇલાઉટ પેકેજનો બાકીનો હપતો મેળવવા માટે નવા રૂ.215 બિલિયનના કરવેરા સાથે પાકિસ્તાનની સંસદે રવિવારે દેશના 2023-24ના વર્ષના બજેટને મંજૂરી આપી હતી. આઇએમએફએ સહાય આપવા માટે ટેક્સમાં કપાત કરવાની અને ખર્ચમાં ઘટાડો કરવાની શરત રાખી હતી.
ઓરિજિનલ બજેટમાં રૂ.9,2000 બિલિયનની ટેક્સની આવકનો અંદાજ હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની શરતને પગલે તેમાં રૂ.215 બિલિયનનો વધારો કરવામાં આવ્યો હતો. બજેટમં 3.5 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ છે. સરકારે તેના ખર્ચમાં રૂ.85 બિલિયનનો ઘટાડો કરવાની આઈએમએફની માંગ સાથે પણ સંમત થઈ હતી. બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા નાણાપ્રધાન ઈશાક ડારે જણાવ્યું હતું કે વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક ધિરાણકર્તા સાથે મેરેથોન ત્રણ દિવસની વાતચીત બાદ બજેટમાં ફેરફારો કરવામાં આવ્યા છે. વડા પ્રધાન શેહબાઝ શરીફે બે દિવસ પહેલાં પેરિસમાં ગ્લોબલ ફાઇનાન્સિંગ સમિટ દરમિયાન આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા સાથે મુલાકાત કરી હતી અને લોન મુક્ત કરવા વિનંતી કરી હતી. IMFના વડાએ શરીફને દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે ખૂબ જ જરૂરી લોન મેળવતા પહેલા વૈશ્વિક ધિરાણકર્તાના સ્ટાફ સ્તરે નીતિવિષયક મતભેદો ઉકેલવા જણાવ્યું હોવાનું માનવામાં આવે છે.
2019માં સંમત થયેલ USD 6.5 બિલિયનનું બેલઆઉટ પેકેજ 30 જૂને સમાપ્ત થઈ રહ્યું છે અને પાકિસ્તાન USD 1.1 બિલિયનનું બાકી ભંડોળ મેળવવા માટે ઝઝૂમી રહ્યું છે. એવી આશંકા છે કે પાકિસ્તાન IMFના સક્રિય સમર્થન વિના ડિફોલ્ટ કરી શકે છે.