ભારત અને અમેરિકા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ) ખાતે છ વેપાર વિવાદોને સમાપ્ત કરવા માટે સંમત થયા છે. ભારત અમેરિકાની બદામ, અખરોટ અને સફરજન સહિતની 18 પ્રોડક્ટ્સ પરની રિટેલિયેટરી કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરશે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. પ્રેસિડન્ટ જો બાઇન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનના આમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની રાજ્ય મુલાકાત વચ્ચે આ સમજૂતી થઈ હતી.
2018માં યુએસએ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે અમુક સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ પર અનુક્રમે 25 ટકા અને 10 ટકા આયાત જકાત લાદી હતી. વળતાં પગલા તરીકે ભારતે જૂન 2019માં ચણા, દાળ, બદામ, અખરોટ, સફરજન, બોરિક એસિડ અને ડાયગ્નોસ્ટિક રીએજન્ટ્સ સહિત 28 અમેરિકન ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી લાદી હતી.
અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ કેથરિન તાઈએ જાહેરાત કરી હતી કે યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈન્ડિયા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં છ બાકી વિવાદોને સમાપ્ત કરવા માટે સંમત થયા છે. ભારતે પણ પ્રતિશોધાત્મક ટેરિફ દૂર કરવા સંમતી આપી છે. આ ડ્યૂટીમાં કપાતથી અમેરિકાના કૃષિ ઉત્પાદકોને બજારમાં નવી તકો મળશે. આ છ વિવાદમાં ભારતે ઉભા કરેલા ત્રણ અને અમેરિકાએ ઊભા કરેલા ત્રણ વિવાદનો સમાવેશ થાય છે. આમાં ભારતમાંથી અમુક હોટ-રોલ્ડ કાર્બન સ્ટીલ ફ્લેટ પ્રોડક્ટ્સ પર કાઉન્ટરવેલિંગ પગલાં, સોલર સેલ્સ અને મોડ્યુલોને લગતા ચોક્કસ પગલાં, રિન્યુએબલ એનર્જી સેક્ટરને લગતા પગલાં, નિકાસ-સંબંધિત પગલાં, સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પરના ચોક્કસ પગલાં અને વધારાની ડ્યુટીનો સમાવેશ થાય છે.
વેપાર નિષ્ણાતોના મતે, બંને દેશો પરસ્પર સંમત શરતો પર વિવાદોને ઉકેલી શકે છે અને બાદમાં જીનીવા સ્થિત WTOને તેના વિશે જાણ કરી શકે છે. ભારતે તેના નિકાસ ક્ષેત્રને વિવિધ યોજનાઓ અંગે પ્રોત્સાહનો આપ્યા હતા. તેની સામે અમેરિકાએ WTOમાં ફરિયાદ કરી હતી. 2019માં WTOની સમિતિએ ચુકાદો આપ્યો હતો કે ભારતના નિકાસ પગલાં વૈશ્વિક વેપાર નિયમોને અનુરુપ નથી. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. 2022-23માં, દ્વિપક્ષીય વેપાર 2021-22માં વધીને $128.8 બિલિયન થયો હતો.