2017 અને 2022 ની વચ્ચે યુકેમાં અભ્યાસ માટે આવેલા અને હાલ ભારતમાં રહેતા કુલ 296 ભારતીય વિદ્યાર્થીઓએ કોવિડ રોગચાળા અને યુનિવર્સિટી લેક્ચરર હડતાલ દરમિયાન તેમને નડેલા વિક્ષેપને કારણે ભણતરથી વંચિત રહ્યા હોવાનો દાવો કરી બ્રિટિશ યુનિવર્સિટીઓ સામે કાયદેસર કાર્યવાહી આદરી છે.

બ્રિટનમાં અભ્યાસ કરવા માટે દર વર્ષે £40,000 સુધીનો ખર્ચ કરનાર વિદ્યાર્થીઓ જો કાનુની કાર્યવાહીમાં સફળ થશે તો તેમને મોટુ વળતર ચૂકવવું પડશે. ફી ભરતી વખતે તેમને વચન આપવામાં આવ્યું હતું કે તેમને લેક્ચરર દ્વારા વ્યક્તિગત શિક્ષણ અપાશે તેમજ તેઓ ભણવાની ભૌતિક સુવિધાઓ મેળવી શકશે. પરંતુ તેના બદલે તેમને ઓનલાઇન કોર્સ ભણાવાયો હતો અને લેબોરેટરી સહિત કોઇ ભૌતિક સુવિધાઓ આપવામાં આવી ન હતી.

અરુણિમા ઘોષ આવા 110,000થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંના એક છે જેમણે લૉ ફર્મ હાર્કસ પાર્કર એન્ડ એસર્સન થકી વળતર મેળવવા માટે સૂચના આપી છે. તેમણે વેબસાઇટ StudentGroupClaim.co.uk દ્વારા સ્ટુડન્ટ ગ્રૂપ ક્લેમમાં જોડાવા હજારો વિદ્યાર્થીઓને અપીલ કરી છે.

હાર્કસ પાર્કરના પાર્ટનર રેયાન ડનલેવીએ જણાવ્યું હતું કે, “ભારતીય નાગરિકો કદાચ આ કિસ્સામાં અમારા માટે બીજા ક્રમનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ગ્રાહક આધાર છે. લગભગ 300 લોકો ભારત પાછા ફર્યા છે પરંતુ અન્ય દેશોમાં કદાચ હજારો વધુ ભારતીયો દાવો કરી રહ્યા છે. આ ભારતીય વિદ્યાર્થીઓને ઘણા પૈસા ખર્ચ્યા પછી બહુ ઓછું વળતર મળ્યું છે જેનો તેઓ ખૂબ જ અસંતોષ અનુભવે છે.

યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) વિરુદ્ધ આ વર્ષે 24 મેના રોજ હાઈકોર્ટમાં પ્રથમ સુનાવણી થઈ હતી. અત્યાર સુધીમાં યુકેની અન્ય 17 યુનિવર્સિટીઓને કાર્યવાહી પહેલા પત્રો મોકલવામાં આવ્યા છે.

યુનિવર્સિટીઝ યુકેના પ્રવક્તા પ્રોફેસર કેથલીન આર્મરે કહ્યું હતું કે “અમને ગર્વ છે કે યુનિવર્સિટીઓએ પ્રતિકૂળ સંજોગોમાં કેવી રીતે અનુકૂલન કર્યું અને તેનું સંચાલન કર્યું. અમારા સ્ટાફે તમામ UCL પરિસરને શક્ય તેટલું સુરક્ષિત બનાવવા માટે અથાક મહેનત કરી અને ઉચ્ચ-ગુણવત્તાવાળા શૈક્ષણિક અનુભવની ખાતરી કરી હતી.”

LEAVE A REPLY