ગત સપ્તાહે નોટિંગહામની શેરીઓમાં છરી વડે કરાયેલા હુમલામાં મોતને ભેટેલા ત્રણ લોકો પૈકી એકની ઓળખ પ્રતિભાશાળી હોકી અને ક્રિકેટ પ્લેયર અને ભારતીય મૂળના મેડિકલ સ્ટુડન્ટ ગ્રેસ ઓ’મેલી કુમાર કરાઇ છે. 19 વર્ષની ગ્રેસ સાથે યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વિદ્યાર્થી ક્રિકેટર મિત્ર – બાર્નાબી
વેબર પણ સાથે હતો. મંગળવારની વહેલી સવારે બંનેના જીવલેણ હુમલામાં મરણ થયા હતા. 31 વર્ષીય શંકમંદ યુવાને 60 વર્ષનાં એક માણસને છરી મારી તેની વાન ચોરીને ત્રણ જણા પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
વડા પ્રધાન ઋષિ સુનકે બુધવારે હાઉસ ઑફ કૉમન્સ સત્રની શરૂઆતમાં જણાવ્યું હતું કે “નોટિંગહામની ઘટના ઇમરજન્સી સેવાઓનો આભાર માનુ છું અને અમારી લાગણી ઘાયલ થયેલા અને જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે.”
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને પાછળથી સંસદમાં જણાવ્યુ હતું કે ‘’આ તબક્કે તેને આતંકવાદી હુમલા તરીકે ગણવામાં આવી રહ્યો નથી. પોલીસ સંપૂર્ણ તથ્યો સ્થાપિત કરવા ખુલ્લું મન રાખી તપાસ કરી રહી છે. જેમને કાઉન્ટર ટેરર પોલીસ પૂછપરછમાં મદદ કરી રહી છે. ત્રીજો મૃતક સ્થાનિક શાળાના કેરટેકર ઇયાન કોટ્સ હતા જે વાનના માલિક હતા. નોટિંગહામશાયર પોલીસના ચીફ કોન્સ્ટેબલ કેટ મેનેલે જણાવ્યું હતું કે, “ડિટેક્ટીવ્સની એક સમર્પિત ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે.”
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ ગ્રેસ કુમાર લંડન સ્થિત ભારતીય મૂળના ડૉક્ટર, ડૉ. સંજય કુમારની પુત્રી છે. 2009માં તેમની લોકલ સર્જરીમાં છરાનો ભોગ બનેલા કેટલાક કિશોરોનો જીવ બચાવવા બદલ તેમને “હીરો” ડૉક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પિતાની જેમ જ ડૉક્ટર બનવા અભ્યાસ કરતી ગ્રેસ અંડર 18ની હોકી ટીમ માટે ઇંગ્લેન્ડ માટે રમી હતી અને તે પ્રતિભાશાળી ક્રિકેટર પણ હતી. ડૉ. કુમારને ગ્રેસ ઉપરાંત એક દિકરો જેમ્સ પણ છે.
ઇંગ્લેન્ડ હોકીએ, એસેક્સમાં વુડફર્ડ વેલ્સ ક્રિકેટ ક્લબ અને નોટિંગહામ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર શીયર વેસ્ટે ગ્રેસ કુમારને શ્રધ્ધાંજલિ આપી હતી.