બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને તેમની યુકેની મુલાકાત વખતે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમની માતાએ બનાવેલી બરફી ખવડાવી હતી.
સુનકે વિકેન્ડમાં તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઇન્ટરવ્યુની રીલ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ગયા મહિને યુકે આવેલા યુક્રેનિયન નેતા અંગેની ક્ષણો શેર કરી હતી. ગયા મહિને સુનકે હાઈ સ્ટ્રીટ ફાર્મસીઓની ભૂમિકાને વિસ્તૃત કરવા માટે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવાની NHSની નવી સરકારી યોજના શરૂ કરવા માટે તેમના વતન સાઉધમ્પટનની મુલાકાત લીધી હતી.
આ અંગે સુનકે કહ્યું હતું કે “તેઓ [માતાપિતા] અસ્વસ્થ હતા કારણ કે મેં તેમને કહ્યું ન હતું કે હું સાઉધમ્પ્ટન આવ્યો છું. તેમણે મને મળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે શક્ય બન્યું ન હતું. તે પછી મને ફૂટબોલ મેચ વખતે મારી માતાએ જાતે બનાવેલી બરફી આપી હતી. જે તેમના માટે મહત્વપૂર્ણ હતી. હું તે પછીના સોમવારે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યો હતો અને તેઓ ભૂખ્યા હોવાથી મેં તેમને મારી માતા ઉષાએ ઘરે બનાવેલી સ્વાદિષ્ટ બરફી ખવડાવી હતી. તેઓ તેનાથી રોમાંચિત થઈ ગયા હતા.”
સુનકે કહ્યું હતું કે “જ્યારે હું NHS વિશે વાત કરું છું, ત્યારે હું મારા પરિવારના કૉલિંગ વિશે વાત કરું છું. મારા પિતા યશવીર ડૉક્ટર હતા, અને હું મારી માતા સાથે ફાર્મસીમાં કામ કરીને મોટો થયો છું.’’