ડૉ. પરવિન્દર કૌર અલી, પ્રો. પ્રોકર દાસગુપ્તા અને અનુજ ચાંદેને OBE એનાયત
હીઝ મેજેસ્ટી ધ કિંગ ચાર્લ્સના પ્રથમ બર્થડે ઓનર્સ લિસ્ટમાં સમયના મોટા પડકારોનો સામનો કરવામાં મદદ કરનાર યુકેના તમામ ક્ષેત્રો અને ભાગોના પ્રેરણાદાયી ઉદ્યોગસાહસિકો, સંશોધકો અને ફિલાન્થ્રોપિસ્ટ્સ સહિતના 1,000 થી વધુ અસાધારણ વ્યક્તિઓને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. યુકે સરકાર દ્વારા શુક્રવારે રાત્રે લંડનમાં બહાર પાડવામાં આવેલ યાદીમાં આ વખતે એવા લોકો પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમણે આધુનિક યુગના સૌથી પડકારરૂપ મુદ્દાઓનો સમાજ કેવી રીતે સામનો કરે છે તેના પર ઊંડી હકારાત્મક અસર કરી છે.
અન્ય નોંધપાત્ર યોગદાન મેળવનારાઓમાં ઉચ્ચ-ગુણવત્તાની આરોગ્યસંભાળ અને શિક્ષણની સેવા આપનાર, ગુનાનો સામનો કરવામાં મદદ કરનાર અથવા પરિવારોને સમાજમાં યોગદાન આપવામાં મદદ કરનાર તથા બાળકોને સફળ બનાવવામાં મદદ કરનારનો સમાવેશ થાય છે.
આ સન્માન સૂચિમાં ભારતીય મૂળના તબીબો પ્રોફેશનલ, કોમ્યુનિટી ચેમ્પિયન સહિત 40થી વધુ ભારતીયોનો સમાવેશ થાય છે.
ઓક્સફર્ડ વેક્સિન ગ્રૂપ, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ ખાતે ગ્લોબલ ઓપરેશન્સના ડાયરેક્ટર ડૉ. પરવિન્દર કૌર અલીને કોવિડ-19 દરમિયાન રસીકરણ માટેની તેમની સેવાઓ બદલ ઑફિસર ઑફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
ફાઉન્ડેશન પ્રોફેસર ઑફ સર્જરી, કિંગ્સ કોલેજ લંડન ખાતે કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ અને ચેર ઇન રોબોટિક સર્જરી અને યુરોલોજિકલ ઇનોવેશન, પ્રોફેસર પ્રોકર દાસગુપ્તાને સર્જરી અને વિજ્ઞાનની સેવાઓ માટે OBE થી નવાજવામાં આવ્યા છે.
બ્રિટિશ ભારતીય બિઝનેસ લીડર્સ અને ગ્રાન્ટ થોર્ન્ટન યુકે એલએલપીના સાઉથ એશિયા બિઝનેસ ગ્રૂપના પાર્ટનર અને હેડ અનુજ ચાંદેને આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણ માટેની સેવાઓ માટે OBEથી સન્માનિત કરાયા છે.
વ્યવસાય અને ચેરિટી માટેની સેવાઓ માટે સોલ કોસ્મેડિક્સના સ્થાપક હિના સોલંકીને અને મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (MBE) એનાયત કરાયો હતો.
યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને જણાવ્યું હતું કે, “આ વર્ષની સન્માન સૂચિ એ સામાન્ય લોકો માટે એક વસિયતનામું છે જેમણે અસાધારણ સમુદાયની ભાવના દર્શાવી છે, અને હું આજે સન્માન પામેલા તમામ લોકોની સરાહના કરૂ છું. આપણી સન્માન પ્રણાલી લાંબા સમયથી બ્રિટનમાં અવિશ્વસનીય યોગદાન આપનારા લોકોને ઓળખવાની એક રીત છે.’’
વડાપ્રધાન એ સુનિશ્ચિત કરવા સંકલ્પબદ્ધ છે કે આ સન્માન સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે, જેથી સન્માન પ્રણાલી યુકેના દરેક ખૂણાના લોકોના અદ્ભુત યોગદાનનો સમાવેશ કરે અને તેની ઉજવણી કરે.
આ યાદીમાં કુલ 1,171 લોકોએ સન્માન અપાયું છે, જેમાંથી 52 ટકા એવા લોકો છે કે જેમણે તેમના સમુદાયોમાં સ્વૈચ્છિક રીતે કે નોકરી કરીને ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. સાહિત્યની સેવાઓ બદલ તાજેતરમાં અવસાન પામેલ નવલકથાકાર માર્ટિન એમિસ, પુરસ્કાર વિજેતા બ્રિટિશ ફિલ્મ નિર્માતા સ્ટીફન ફ્રેઅર્સને ને નાઈટહુડ અપાયો હતો. ફેશન મેગેઝિન ‘વોગ’ના એડિટર ડેમ અન્ના વિન્ટૂર અને લેખક સર ઇયાન મેક’ઇવાન ચુનંદા કમ્પેનિયન્સ ઑફ ઓનરમાં જોડાયા છે.
વેલ્સમાં મહિલા આરોગ્ય અને કલ્યાણ માટેની સેવાઓ બદલ કન્સલ્ટન્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ અંજુ કુમાર; લંડનમાં કાયદો અને વ્યવસ્થાની સેવાઓ માટે ડિસ્ટ્રીક્ટ ક્રાઉન પ્રોસિક્યુટર વરિન્દર હાયર અને યુકે ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલના અધ્યક્ષ સુનંદ પ્રસાદને રીજનરેશનની સેવાઓ માટે OBE એવોર્ડ એનાયત થયો હતો.
ફિઝિયોથેરાપિસ્ટ અને નિષ્ણાત હેન્ડ થેરાપિસ્ટ રોમા ભોપાલને ફિઝિયોથેરાપીની સેવાઓ માટે; કાઉન્સિલર અને મેયર, સેન્ડવેલ મેટ્રોપોલિટન બરો કાઉન્સિલ, વેસ્ટ મિડલેન્ડ્સના બાવા સિંહ ધલ્લુને પોલિટીકલ અને વોલંટીયરીંદગ સેવાઓ માટે; તથા સંગીતની સેવાઓ માટે વાયોલિનવાદક જ્યોત્સના શ્રીકાંતને અને ડિસ્ક જોકી અને બ્રોડકાસ્ટર રિતુ ખુરાનાને સંગીત અને પ્રસારણની સેવાઓ માટે MBE એવોર્ડ એનાયત કરાયો હતો.
આ યાદીમાં ભારતીય વારસાના લગભગ 10 લોકોને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) એનાયત કરાયા હતા. જેમાં સુપર કૂલ ફ્રેન્ડ્સ ચેરિટી, ઇલફર્ડ, લંડનના સ્થાપક બલવીર મોહન ભલ્લાને રેડબ્રિજમાં સમુદાયની અને ખાસ કરીને COVID-19 દરમિયાન સેવાઓ માટે; બ્રિટિશ એશિયન સમુદાયમાં સંગીત, ચેરિટી અને માનસિક સ્વાસ્થ્ય માટેની સેવાઓ માટે પિયાનોવાદક અને સંગીતકાર રેકેશ ચૌહાણ; પીઅર એજ્યુકેટર વોલંટિયર, કિડની રિસર્ચ યુકે, લઘુમતી વંશીય જૂથો માટે કિડની અંગોના દાન માટેની સેવાઓ માટે કૈલાશ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.