ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન લોકડાઉન નિયમોનો ભંગ કરતી ડાઉનીંગ સ્ટ્રીટમાં યોજાયેલી પાર્ટીઓ અંગે સંસદમાં જાણીજોઈને ખોટું બોલ્યા હોવાનું બહાર આવ્યા બાદ સોમવારે તા. 19ના રોજ બહુમતી બ્રિટિશ સાંસદોએ ભૂતપૂર્વ વડા પ્રધાનના પગલાંની નિંદા કરી નિંદાકારક અહેવાલને બહુમતીથી મંજૂર કર્યો હતો. સરકારને આશા છે કે આ મત નુકસાનકારક “પાર્ટીગેટ” કૌભાંડનું અંતિમ પ્રકરણ હશે. બીજી તરફ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ સરકાર માટે ઊંચા ફુગાવા અને સતત વધતા વ્યાજ દરને કારણે મતદારો આર્થિક પીડા અનુભવતા હોવાથી રાજકીય સમસ્યાઓ વધી રહી છે.
જૉન્સનના 59મા જન્મદિવસ પર યોજાયેલ આ સંસદીય મતદાનમાં સાસંદોએ 354 વિરૂધ્ધ સાત મતોથી બહુમત આપ્યો હતો અને પ્રિવિલેજ કમિટીના તારણોને મંજૂરી આપી હતી કે જૉન્સને સંસદની અવહેલના કરી હતી. આ મતદાન જૉન્સનની સંસદમાં પાછા આવવાની તકો પર પાણી ફેરવશે. હવે જૉન્સન ભૂતપૂર્વ સાંસદોને મળતો સંસદમાં વિશેષ પ્રવેશનો વિશેષાધિકાર પણ ગુમાવશે. જેનાથી તેમને સંસદમાં લંચ કરવાની અને ભૂતપૂર્વ સાથીદારોને જોવા સહિત સંસદમાં મર્યાદિત પ્રવેશની મંજૂરી મળશે.
વડા પ્રધાન ઋષિ સુનકે, અન્ય કેટલાક ટોરી સાંસદો સાથે, આ મતદાન કે ચર્ચામાં ભાગ ન લેવાનું અને અહેવાલના તારણો પર ટિપ્પણી નહિં કરવાનું પસંદ કર્યું હતું.પરંતુ ભૂતપૂર્વ નેતા જૉન્સન તેમના આગામી પગલા પર વિચાર કરી રહ્યા છે તો તેમના કટ્ટર સાથીઓએ જૉન્સનના બચાવ માટે લાઇન લગાવી ક્રોસ-પાર્ટી પ્રિવિલેજ કમિટિ પર હુમલો કર્યો હતો. તેમના સાથીઓ ચૂંટણી મેદાનમાં જૉન્સન પરત ફરશે તેવી આગાહી કરી રહ્યા છે.
બ્રેક્ઝિટના લોકપ્રિય આર્કિટેક્ટ જૉન્સને ડિસેમ્બર 2019માં છેલ્લી સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને જંગી જીત તરફ દોરી હતી. પરંતુ પાર્ટીગેટ અને અન્ય કૌભાંડોના કારણે તેમને ગયા જુલાઈમાં વડા પ્રધાન પદ છોડવાની ફરજ પડી હતી. તેમણે સંસદની વિશેષાધિકાર સમિતિના અહેવાલને નકારી કાઢતા દાવો કર્યો હતો કે તે રાજકીય વિરોધીઓ અને “કાંગારૂ કોર્ટ” દ્વારા કરાયેલા સ્ટીચ-અપનો ભોગ બન્યા છે.
આ સમિતિએ તા. 15ના રોજ 106 પાનાના અહેવાલમાં જૉન્સનને “સંસદના વારંવારના તિરસ્કાર અને… સંસદીય પ્રક્રિયાને નબળી પાડવા માટે” દોષિત ઠેરવ્યા હતા, જૉન્સને તે અહેવાલની એડવાન્સ કોપી પ્રાપ્ત કર્યા પછી 9 જૂનના રોજ સાંસદ તરીકેનું પદ છોડ્યું ન હોત તો તેમના 90-દિવસ સુધીના સસ્પેન્શનની હિમાયત કરી હતી.
લોકડાઉન દરમિયાન ડિસેમ્બર 2020માં પાર્ટી કરતા ટોરી પાર્ટીના અધિકારીઓનો એક અન્ય વીડિયો રવિવાર તા. 18ના રોજ બહાર આવ્યો હતો. લેવલીંગ અપ સેક્રેટરી માઈકલ ગોવે કોવિડ નિયમના ભંગ બદલ માફી માંગી બીબીસીને કહ્યું હતું કે આ ફૂટેજ “ભયંકર” અને “અસુરક્ષિત” છે.
જૉન્સનના કેટલાક નજીકના સાથીઓ તેમના સંસદીય પાસને દૂર કરવાની ભલામણ વિશે બેફિકર હોવાનું કહેવાય છે. એવી દલીલ કરાય છે કે તેમના પર લાદવામાં આવેલા પ્રતિબંધોની કોઈ વ્યવહારિક અસર નથી. કન્ઝર્વેટિવ સાંસદ, પૂર્વ મિનિસ્ટર અને જૉન્સનના વફાદાર જેકબ રીસ-મોગે કહ્યું હતું કે ‘’ભૂતપૂર્વ વડા પ્રધાન પુનરાગમન કરી શકે છે અને કદાચ, આગામી ચૂંટણી પછી જૉન્સન નવા ચૂંટણી જનાદેશ સાથે મેદાનમાં પાછા આવશે. કેટલાક કારણોસર, વિશેષાધિકાર સમિતિ વિચારે છે કે તે સામ્યવાદી ચીનમાં છે અને અમારે ડરવું જોઈએ. અહેવાલ લખનાર વિશેષાધિકાર સમિતિના વર્તન અને મેક-અપની ટીકા કરવી સંપૂર્ણપણે કાયદેસર છે. આ ચેમ્બરની બહાર, ભાષણની સ્વતંત્રતા સર્વોપરી છે, અમને જે ગમે છે તે કહેવાની અમને છૂટ છે.” જૉન્સનની વિવાદાસ્પદ રાજીનામાની સન્માન સૂચિમાં જેકબને નાઈટહૂડ મળ્યું હતું.
લિઝ ટ્રસે ગુરુવારે જણાવ્યું હતું કે તે “ક્યારેય, બોરિસને રદ કરશે નહીં. મને ખાતરી છે કે આપણે તેમની પાસેથી વધુ સાંભળીશું. તેમના પાર્લામેન્ટરી પાસના પ્રસ્તાવિત અવરોધને “ખૂબ જ કઠોર” પગલું માનું છું.અન્ડર-ફાયર સુનકને હવે ચાર સંભવિત પેટાચૂંટણીઓનો સામનો કરવો પડશે બીજી તરફ મોંઘવારી, કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસીસ અને વ્યાજના દરો તથા મોર્ગેજ ઇન્ટરેસ્ટ રેટ વધવા અંગે મતદારોને સરકારની નિષ્ફળતા પર અસંતોષ વ્યક્ત કરવાની તક મળશે. ટીકાકારો વારંવાર “મોર્ગેજ ટાઈમ બોમ્બ” ની ચેતવણી આપી રહ્યા છે જે સમાપ્ત થવાના કોઈ સંકેતો નથી.
કોમન્સના નેતા પેની મોર્ડન્ટે સરકાર વતી બોલતા ગૃહને જણાવ્યું હતું કે ‘’સરકાર સમિતિના મહત્વપૂર્ણ બંધારણીય સિદ્ધાંતોનું સન્માન કરે છે. અમારા અધિકારો અને વિશેષાધિકારોનો બચાવ કરવા માટે વિશેષાધિકાર સમિતિ અસ્તિત્વમાં છે.”