અમેરિકાની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઈટ હાઉસમાં તેમના ભવ્ય સ્વાગતના પ્રતિભાવમાં કહ્યું હતું કે, તેમનું સ્વાગત વાસ્તવમાં તો 140 કરોડ ભારતીયોનું સન્માન છે, એ ભારતીયો માટે ગૌરવની વાત છે.
મોદીનું વ્હાઇટ હાઉસ ભવ્ય સ્વાગત કરાયું હતું. અગાઉ વડાપ્રધાન મોદીના અમેરિકા આગમન વેળાએ તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. એરપોર્ટ ઉપર પણ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે ફર્સ્ટ લેડી જિલ બાઈડેન સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ પ્રાઈવેટ ડિનર માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં જો બાઈડેન અને જિલ બાઈડેને તેમનું સ્વાગત કર્યું હતું. ત્રણેએ સાથે ફોટો પડાવ્યા હતા. અમેરિકાની મુલાકાતના બીજા દિવસે મોદીએ પ્રેસિડેન્ટ જો બાઈડેન સાથે સંરક્ષણ, અવકાશ, સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધો આગળ વધારવા સહિત અન્ય મુદ્દાઓ પર દ્વિપક્ષી વાતચીત પણ થઈ હતી. મોદીનું સ્વાગત કરતા બાઈડેને કહ્યું હતું કે,
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો 21મી સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંના એક છે. બાઈડેને વ્હાઇટ હાઉસમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, વડાપ્રધાન તમારું ફરી સ્વાગત છે. હું હંમેશા માનું છું કે, અમેરિકા અને ભારત વચ્ચેનો આ સંબંધ 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંનો એક છે. આપણા બંધારણના પ્રથમ શબ્દ એ છે કે, આપણે, દેશના નાગરિકો, આપણા લોકો વચ્ચે કાયમી સંબંધ અને સમાન મૂલ્યો છે તેમજ વર્તમાન મુદ્દાઓ ઉકેલવા માટે વૈશ્વિક નેતાઓ તરીકે આપણી સહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, મારા માટે એ સન્માનની વાત છે કે, લગભગ 15 વર્ષમાં પ્રથમ વખત અમેરિકા સત્તાવાર રીતે ભારતીય નેતાની રાજકીય મેજબાની કરી રહ્યું છે. તમારા સહયોગથી અમે સ્વતંત્ર, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે ક્વાડને મજબૂત બનાવ્યું છે.