અમેરિકાની 21-24 જૂન દરમિયાન મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને ન્યૂયોર્કમાં ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક એલોન મસ્કને મળ્યાં હતા. આ બેઠક પછી મસ્કે જણાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટેસ્લાને દેશમાં “નોંધપાત્ર રોકાણ” કરવા માટે આગ્રહ કરી રહ્યાં છે અને આવી જાહેરાત ટૂંકસમયમાં થવાની ધારણા છે.
એક સૂત્રએ અગાઉ રોઇટર્સને જણાવ્યું હતું કે મસ્ક ભારતમાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપવાની યોજના અંગે મોદીને માહિતી આપશે.

મસ્કે જણાવ્યું હતું કે ભારતમાં સૌર ઉર્જા, સ્ટેશનરી બેટરી પેક અને ઈલેક્ટ્રિક વાહનો સહિત ટકાઉ ઉર્જા માટેની મજબૂત સંભાવનાઓ છે. તેઓ સ્પેસએક્સની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા ભારતમાં લાવવાની આશા રાખે છે. મસ્કે કહ્યું હતું કે “તેઓ (મોદી) ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે અમને દબાણ કરી રહ્યા છે, જે અમે કરવા માગીએ છીએ. મને વિશ્વાસ છે કે ટેસ્લા ભારતમાં હશે અને માનવીય રીતે શક્ય તેટલું જલદી કરશે.”

મસ્ક મોદીને મળવા હોટલ લોટે ન્યૂયોર્ક પેલેસમાં આવ્યાં હતાં. બેઠક પછી મસ્કે જણાવ્યું હતું કે હું મોદીજીનો ફેન છું. તેઓ ખરેખર ભારતની ચિંતા કરે છે અને તેઓ દેશના હિતમાં જ બધું કરવા ઇચ્છે છે. અન્ય મોટા દેશ કરતાં ભારતમાં બિઝનેસ માટે વધુ અવકાશ છે.” મોદીએ મસ્કને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ અંગે મસ્કે જણાવ્યું હતું કે હું આવતા વર્ષે ભારત આવીશ.

મસ્ક અને વડાપ્રધાન વચ્ચેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માગે છે. આ મિટિંગ બાદ મસ્કે કહ્યું- ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. મસ્કે કહ્યું, ‘હું ભારતના ભવિષ્યને લઈને ઉત્સાહિત છું. હું મોદીનો ફેન છું. આ એક શાનદાર મુલાકાત હતી અને હું તેમનો પ્રશંસક છું. ટેસ્લા ભારત આવવાના સમય વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કએ કહ્યું, “મને ખાતરી છે કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં આવશે.” તેઓ આવતા વર્ષે એટલે કે 2024માં ભારતની મુલાકાત લેવાનું પણ આયોજન કરી રહ્યા છે.

LEAVE A REPLY