ભારતમાં અમેરિકાના વિઝા મળવામાં લાંબા વિલંબની ફરિયાદોમાં વધારો થયા પછી અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે તેની કોન્સ્યુલર ટીમો દ્વિપક્ષી સંબંધો માટે ચાવીરૂપ વિઝા શ્રેણીઓ સહિત ભારતમાં શક્ય તેટલી વધુ વિઝા અરજીઓ પર પ્રક્રિયા શક્ય તેટલી વધુ ઝડપી બનાવવા પ્રયત્નશીલ છે.
“આ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે જાણીએ છીએ કે અમે કરી શકીએ છીએ તેના કરતાં કામ ઘણું વધુ છે, અને અમે તે કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ, ” એમ સ્ટેટ ડીપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ગયા સપ્તાહે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
તેમને પૂછવામાં આવ્યું કે સાંસ્કૃતિક આદાનપ્રદાન, ઈમિગ્રેશન અને વિઝાને સંબંધ છે ત્યાં સુધી એક ભારતીય અમેરિકા પાસેથી શું અપેક્ષા રાખી શકે? વિઝામાં વિલંબને કારણે ઘણા પતિ-પત્નીઓ અલગ પડી ગયા હતા અને ભારતમાં અટવાયા હતા.
યુએસ પ્રવાસ કરતા ભારતીયો માટે વિઝા વિલંબમાં ઘણી શ્રેણીઓમાં ઘટાડો થયો છે. પરંતુ B1/B2 વિઝિટર વિઝા માટે ઇન્ટરવ્યુ માટે રાહ જોવાનો સમય દિલ્હીમાં 451 કેલેન્ડર દિવસ છે. જોકે, સ્ટુડન્ટ વિઝાની રાહ જોવાનો સમય હવે વિવિધ કેટેગરીમાં ઘટીને 18 થી 35 દિવસનો થઈ ગયો છે.મિલરે એમ પણ કહ્યું કે અમેરિકી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવતા અઠવાડિયે વોશિંગ્ટન આવશે ત્યારે તેમની સામે દેખાવો ઉપર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા નથી.