પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે નીકળેલા અમદાવાદના નરોડાના એક યુવાન દંપતીને પાકિસ્તાની એજન્ટે ઇરાનમાં બંધક બનાવ્યું હતું અને પૈસાની માગણી કરી હતી, એમ ગુજરાત પોલીસે સોમવારે જણાવ્યું હતું.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે નરોડા વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે એફઆઈઆર દાખલ કરાઈ હતી અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. આ ઘટના ભારતની બહાર બની હોવાથી ક્રાઈમ બ્રાંચ તમામ વિગતો સાથે ઈરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરશે. બંધક દંપતીની ઓળખ 29 વર્ષીય પંકજ પટેલ અને તેની પત્ની નિશા પટેલ તરીકે થઈ હતી.

રીપોર્ટ મુજબ મૂળ ઉત્તર ગુજરાતનો અને અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતો 29 વર્ષનો પંકજ પટેલ પોતાની પત્ની નિશા સાથે જૂન મહિનાની શરૂઆતમાં જ પોતાની પત્ની સાથે અમેરિકા જવા નીકળ્યો હતો. પંકજ અને તેની પત્નીને અમેરિકા મોકલવાનું કામ ગાંધીનગરના એક એજન્ટે હાથમાં લીધું હતું. હૈદરાબાદમાં આવેલી ઈરાનની કોન્સ્યુલેટમાંથી તેમના 15 દિવસના ટુરિસ્ટ વિઝા ઈશ્યૂ થયા હતા

અમદાવાદનું કપલ હૈદરાબાદ ગયું હતું, જ્યાંથી તેમને ઈરાનની ફ્લાઈટ પકડવાની હતી. પ્લાન અનુસાર, ઈરાનથી આ પતિ-પત્ની મેક્સિકો પહોંચવાનાં હતાં. જોકે પૈસાના મામલે વિવાદ થતાં આ પતિ-પત્નીને બંધક બનાવાયા હતા અને તેમના પર ભયાનક ટોર્ચર કરાયું હતું. આ ટોર્ચરના વીડિયો બનાવીને તેમના ફેમિલી મેમ્બર્સને મોકલવામાં આવ્યા હતા, અને તેમની પાસેથી મોટી રકમની ડિમાન્ડ કરાઈ હતી. કથિત વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકના કપડાં ઉતારીને તેને બેફામ ફટકારવામાં આવી રહ્યો છે અને તેની પાસે એવું પણ બોલાવવામાં આવી રહ્યું છે કે આ લોકો જેટલા પૈસા માગે છે તેટલા આપી દો, નહીંતર અમે જીવતા નહીં બચીએ. સૂત્રોના જણાવ્યા મુજબ હૈદરાબાદમાં ગુજરાતી દંપતીને બંધક બનાવીને તેમના પર ભયાનક ટોર્ચર કરનારા ત્યાંના સ્થાનિક માફિયા હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY