ન્યુઝીલેન્ડનું કૃષિપ્રધાન અર્થતંત્ર મંદીમાં સપડાયું છે. ગુરુવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર 2022ના અંતમાં 0.7 ટકાના ઘટાડા પછી અર્થતંત્ર પ્રથમ ક્વાર્ટરમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. સામાન્ય ચૂંટણીના ચાર મહિના પહેલાં નાણા પ્રધાન ગ્રાન્ટ રોબર્ટસને સ્વીકાર્યું હતું કે મંદીમાં પ્રવેશવું “આશ્ચર્યજનક નથી.
તેમણે જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે 2023 એક પડકારજનક વર્ષ છે, કારણ કે વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડી છે, ફુગાવો લાંબા સમય સુધી ઊંચો રહ્યો છે અને નોર્થ આઇલેન્ડની હવામાન ઘટનાઓની અસરો ઘરો અને બિઝનેસને માંઠી અસર કરી રહી છે. ઓકલેન્ડમાં જાન્યુઆરીનું પૂર અને ફેબ્રુઆરીમાં ચક્રવાત ગેબ્રિયલને કારણે થયેલ વિનાશથી અર્થતંત્રને બેવડો ફટકો લાગ્યો હતો. 2020 પછી આ ન્યુઝીલેન્ડની પ્રથમ મંદી છે, જ્યારે રોગચાળાએ સરહદો બંધ કરી દીધી હતી અને નિકાસને અટકાવી દીધી હતી.