વડાપ્રધાન મોદીએ 2022માં મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તે સમયની ફાઇલ તસવીર (ANI Photo/PIB)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યોગે વિશ્વને એક કર્યું છે. ભારતના આહવાન પર ૧૮૦ દેશો તૈયાર થયા અને ૨૧મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે યોગ સ્વસ્થ અને શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે, ત્યાં સામુહિક ઉર્જા બધુ જ હોય છે. યોગ એક વિચાર છે, જેને વિશ્વએ અપનાવ્યો છે. યોગે હંમેશા જોડવાનું કામ કર્યું છે, ભારતે હંમેશા જોડવાનું કામ કર્યું છે અને તેને અંગીકાર કરવા અને અપનાવવાની પરંપરાને પ્રોત્સાહન આપ્યું છે. યોગથી આપણે અવરોધો દૂર કરવાના છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સ્પિરિટ સમગ્ર વિશ્વ સમક્ષ એક ઉદાહરણ તરીકે રજુ કરવાનો છે.

આ વર્ષે બુધવાર, ૨૧મી જુને વિશ્વભરમાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કરોડો લોકોએ ભાગ લીધો હતો. એટલુ જ નહીં સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલા યોગ કાર્યક્રમે એક મોટો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ૧૩૫થી વધુ દેશોના પ્રતિનિધિઓએ એક સાથે યોગ કરીને આ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે યોગ ભારતથી આવ્યો છે પણ તે કોપીરાઇટ અને રોયલ્ટી વગેરેથી મુક્ત છે. તેના પર કોઇનો હક નથી. યોગ જીવન જીવવાની એક રીત છે.

યોગા ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગના વિવિધ આસન કર્યા હતા. તેમણે પોતાનું વક્તવ્ય નમસ્તેથી શરૂ કર્યું હતું. મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલા કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે દરેક દેશના પ્રતિનિધિઓને એક સાથે યોગ કરતા જોઇને હુ બહુ જ ખૂશ થયો છું, મને યાદ છે નવ વર્ષ પહેલા અહીંયા સંયુક્ત રાષ્ટ્રમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મુકવાની મને તક મળી હતી. સમગ્ર વિશ્વએ ભારતના એ પ્રસ્તાવને સમર્થન આપ્યું અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અસ્તિત્વમાં આવ્યો. હવે નવ વર્ષે વિશ્વભરના દેશોના પ્રતિનિધિઓને એક સાથે યોગ કરતા જોઇને બહુ જ આનંદ થયો.

યોગ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે યોગથી આપણે તંદુરસ્ત બનીએ છીએ, માનસિક શાંતિ મળે છે, યોગ જીવન જીવવાનો એક રસ્તો છે. યોગનો એકબીજા પ્રત્યે દયાભાવ દાખવવા માટે પણ ઉપયોગ થવો જોઇએ. યોગથી દોસ્તીનો પુલ બાંધીએ, મોદી સાથે ૧૩૫ દેશોના પ્રતિનિધિઓ, સંયુક્ત રાષ્ટ્રના વડા અને અધિકારીઓ, હોલિવૂડ એક્ટર રીચર્ડ ગેરે, વિખ્યાત અમેરિકી સિંગર મેરી મિલબેન પણ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભદ્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાન શિશુનાસન, પવન મુક્તાસન, શવાઆસન, કપાલ ભાતિ કર્યા હતા.

LEAVE A REPLY