ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી. (ANI Photo)

ઉત્તરાખંડની ભાજપ સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં બે જુદા-જુદા ધર્મના લોકો વચ્ચે થયેલા તમામ લગ્નોની તપાસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે.સરકારનો હેતુ લવ જેહાદ મારફત યુવતીઓના થતાં ધર્માંતરણને રોકવાનો છે. પોલીસ આ કવાયત મારફત એ જાણવાનો પ્રયાસ કરશે કે આવાં આંતરધર્મી લગ્નોમાં ઉત્તરાખંડ ધર્મ સ્વાતંત્ર્ય ધારો (સુધારો), 2022નું ઉલ્લંઘન થયું છે કે નહીં.

રાજ્યના  એડીજી (કાયદો અને વ્યવસ્થા) વી મુરુગેસને જણાવ્યું હતું કે અમે તમામ 13 જિલ્લાના SSPs અને SPને આ નિર્ણય અંગે પત્ર લખીને જાણ કરી છે. ધારાનું  કોઈપણ ઉલ્લંઘન જણાશે તો સંબંધિત જિલ્લા પોલીસ એકમો યોગ્ય કાનૂની કાર્યવાહી કરશે. આ કાર્યવાહીમાં એ નહીં જોવામાં આવે કે તે ક્યાં ધર્મનો છે અને અને હવે કયા ધર્મનું પાલન કરે છે. 2018માં ધર્મ સ્વાતંત્ર્ય ધારો અમલી બન્યો હતો અને તે પછી થયેલા તમામ આંતરધર્મી લગ્નોની તપાસ થશે.

રાજ્યમાં પાંચ વર્ષ પહેલા રજૂ કરાયેલા આ ધારા હેઠળ ધર્મપરિવર્તન કરતાં વ્યક્તિએ સંબંધિત વિસ્તારોના જિલ્લા મેજિસ્ટ્રેટ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઓછામાં ઓછા એક મહિના પહેલા ફરજિયાત જાણ કરવી પડે છે. આ પછી તે ધર્મ પરિવર્તન કરી શકે છે. ધર્મપરિવર્તન કરનાર વ્યક્તિ ઉપરાત ધર્મ પરિવર્તનની સુવિધા કરી આપનારા ધાર્મિક વ્યક્તિએ પણ આ જોગવાઇનું પાલન કરવું પડે છે.

ગયા વર્ષે 21 ડિસેમ્બરે આ ધારામાં સુધારો કરાયો હતો. આ સુધારા મારફત બળજબરીથી થતાં ધર્માંતરણની સજાને વધુ કડક બનાવવામાં આવી હતી. આવું બળજબરીપૂર્વકનું ધર્માંતરણ કરનારા આરોપીને 10 વર્ષ સુધીની જેલસજા અને રૂ.50,000 સુધીનો દંડ થઈ શકે છે. આ ગુનાને બિનજામીનપાત્ર પણ બનાવવામાં આવ્યો હતો.

રાજ્યના ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કવાયતના ભાગરૂપે પોલીસ તપાસ કરશે કે જે વ્યક્તિએ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, તેને પોતાનો ધર્મ બદલ્યો છે કે કેમ. જો ધર્મ બદલ્યો હોય તો ધારા હેઠળની નિર્ધારિત પ્રોસિજરનું પાલન કર્યું છે કે નહીં તેની તપાસ થશે. પાર્ટનરે ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડી હતી કે નહીં તેની પણ તપાસ થશે. જો નિર્ધારિત પ્રોસિજરનું પાલન નહીં થયું હોય તો પોલીસ આરોપી સામે પગલાં લેશે. જો બળજબરીપૂર્વક ધર્માંતરણ થયું હશે તો તેની પાછળના આરોપીઓ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરાશે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ધારાના અમલ પછીથી આ વર્ષના 15 જૂન સુધીમાં 18 કેસો દાખલ થયા છે.

LEAVE A REPLY