સન્ની દેઓલ સાથે પોતાની નવી ફિલ્મ ગદર-ટુ માટે ચર્ચામાં રહેતી અભિનેત્રી અમિષા પટેલે શનિવારે રાંચીની કોર્ટમાં સરન્ડર કર્યુ છે. કોર્ટે તેને ફરીથી 21 જૂનના રોજ હાજર થવા જણાવ્યું છે. વર્ષ 2017ના કેસમાં અમીષાની વિરુદ્ધ કોર્ટ વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેમાં સ્થાનિક એક કાર્યક્રમ દરમ્યાન અજયકુમાર સિંહ સાથે અમીષા પટેલની મુલાકાત થઈ હતી અને તેમને ફિલ્મોમાં નાણાં રોકવા માટેની ઓફર મળી હતી.
આરોપ પ્રમાણે ફિલ્મ બનાવવા નામ પર અજયકુમાર સિંહે અમીષા પટેલના ખાતામાં રૂ. અઢી કરોડ ટ્રાન્સફર કર્યા હતા. અજયકુમાર સિંહ લવલી વર્લ્ડ ઈન્ટરનેશનલના પ્રોપરાઈટર છે. અમિષાએ ફિલ્મ ન બનાવતા તે નાણા પરત લેવા માટે અજયકુમારે સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, અમિષા પટેલે તેની સાથે છેતરપિંડી કરી છે. ફિલ્મ ન બનાવવાના કારણે તેમણે અમિષા પાસેથી નાણાં પરત માગ્યા હતા, જેમાં અમિષાએ તેને ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ તે ચેક બાઉન્સ થયો હતો.
આ કેસમાં અમિષા પટેલે શનિવારે સિવિલ કોર્ટમાં સરન્ડર કર્યું હતું. જ્યાં તેને 10 હજાર પર જામીન આપવામાં આવ્યા હતા. એપ્રિલમાં થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે તેની સામે સમન્સ કાઢ્યું હતું. પરંતુ ત્યારે તે હાજર થઈ નહોતી. તેના પછી કોર્ટે વોરંટ જાહેર કર્યુ હતું.