ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કચ્છ જઇને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. તેમણે બપોરે 12 વાગે દિલ્હીથી સીધા કચ્છ પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી. કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટરમાં તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હવાઇ નિરીક્ષણમાં જોડાયા હતા.
હવાઇ નિરીક્ષણ પછી તેમણે અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા માંડવીની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. અમિત શાહ ભુજથી જખૌ કોસ્ટ ગાર્ડના હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. અગાઉ અમિત શાહે ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા સૂચવ્યું હતું. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ ઉપરાંત અમિત શાહ આજે અમદાવાદ પણ જાય તેવી સંભાવના છે. આ અગાઉ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બિપરજોય વાવાઝોડા દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યમાં બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવા માટે પ્રધાનોની એક ટીમ પણ રાજ્યમાં મોકલાવી હતી.