ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે વાવાઝોડાથી અસર પામેલા ગામોના લોકોને નિયમાનુસારની કેશડોલ્સ ત્રણ દિવસમાં ચૂકવવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ વાવાઝોડાને પરિણામે રાજ્યમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં ઊભી થયેલી સ્થિતિની વિસ્તૃત વિગતો સંબંધિત જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને મેળવી હતી. તેમણે શુક્રવારે સાંજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજપુરવઠો, પાણી, રોડ-રસ્તા પૂર્વવત કરવા તેમ જ ઝાડ-વૃક્ષો પડી જવાને કારણે માર્ગો પર થયેલો આડશો દૂર કરવા પણ તાકીદ કરી હતી. એટલું જ નહીં, પશુઓના મૃત્યુના કિસ્સામાં નિયમાનુસાર સહાય સમયસર ચૂકવાઈ જાય અને અન્ય નુકસાનીનો સર્વે ત્વરાએ શરૂ થાય તેવી સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી હતી.

રાજ્યના મહેસુલ વિભાગે કેશડોલ્સની ચૂકવણી રોકડમાં કરવા અંગે કરેલા ઠરાવમાં જણાવાયું છે કે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના જે લોકોનું અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તેવા લોકોમાં પુખ્તવયની વ્યક્તિને રૂપિયા ૧૦૦ પ્રતિદિન અને બાળકદીઠ રૂપિયા ૬૦ પ્રતિદિનની સહાય મહત્તમ પાંચ દિવસ માટે ચૂકવવામાં આવશે.

વાવાઝોડાથી અસરગ્રસ્ત ૮ જિલ્લાઓમાં કુલ આશરે ૭૧૯ કાચા-પાકા મકાનોને અંશતઃ નુકસાન થયું છે કે સંપૂર્ણ નાશ પામ્યા છે, તેવા પ્રાથમિક અહેવાલો મળેલા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં વીજ-પુરવઠાને વિપરિત અસર પડી છે, તેમાં ત્વરાએ પૂર્વવત કરવા ઊર્જા વિભાગની વધુ ટીમો કાર્યરત કરવા સૂચના આપી હતી.
તેમણે કહ્યું કે જે વીજપોલ કે ટ્રાન્સફોર્મર્સને ક્ષતિ પહોંચી ત્યાં પૂર્વવત કરવા માટે પાણી-પુરવઠા, રહેણાક મકાનો અને કમ્યુનિકેશન સાથે સંકળાયેલા વીજપોલ, ટ્રાન્સફોર્મર્સને અગ્રતા અપાશે.

LEAVE A REPLY