હોમ ઑફિસના અધિકારીઓએ નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલીમાં આવેલી શાકાહારી ભારતીય રેસ્ટોરન્ટ સરસ્વતિ ભવન પર 3 માર્ચે પાડેલા દરોડામાં ગેરકાયદેસર રીતે કામ કરતા પાંચ લોકો મળી આવતા ઈમિગ્રેશન એક્ટ 1971 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિ તો ઘર ન હોવાથી રેસટોરંટના કિચનમાં ફ્લોર પર સૂતેલો જોવા મળ્યો હતો. દરોડા દરમિયાન વધુ સાત કર્મચારીઓ કાયદેસર રીતે કામ કરતા હોવાનું જણાયું હતું, જે તમામ ગ્રાહકોને સર્વ કરતા હતા.
રેસ્ટોરંટના માલિક અનિલ વર્માએ કોઇને દેખાય નહિં તેવા બેઝમેન્ટમાં આવેલા કિચનમાં કામ કરવા માટે ગેરકાયદેસર રીતે પાંચ કર્મચારીઓને કામે રાખ્યા હતા. જેમને તો એપ્રિલ 2022માં જાહેર કરાયેલા નેશનલ મિનિમમ વેજ £9.50 પ્રતિ કલાકથી પણ ઓછો પગાર આપતા હતા.
એક કામદારે હોમ ઓફિસના અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ દિવસમાં દસ કલાક લેખે અઠવાડિયાના છ દિવસ કામ કરે છે, જેના માટે મિસ્ટર વર્મા તેમને £30 અથવા £40 એક દિવસના ચૂકવતા હતા. જે £4 પ્રતિ કલાકની સમકક્ષ થાય છે. પકડાયેલ એક કામદાર તો વિઝા પૂરા થયા બાદ ત્રણ વર્ષથી યુકેમાં રહેતો હતો. જેને યુકેમાં કામ કરવાનો અધિકાર નહતો. શ્રી વર્માએ અધિકારીઓને કહ્યું હતુ કે તેઓ તે બાબત જાણતા હતા પરંતુ દાવો કર્યો હતો કે તેઓ તેને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અન્ય એક કર્મચારીએ છેલ્લા ત્રણ મહિનાથી દર મહિને £900 રોકડના પગાર તથા ભોજન સાથે નોકરી કરતો હોવાનું સ્વીકાર્યું હતું. તેને પણ કામ કરવાની પરવાનગી ન હોવાની તેમના એમ્પ્લોયરને ખબર હતી. આ અંગે શ્રી વર્માએ કહ્યું હતું કે તેમણે કામદારોના પાસપોર્ટની નકલ માંગી હતી પરંતુ ન તો તે તેમને મળ્યા હતા કે ન તો તેમણે તે ફરી માંગ્યા હતા.
રસોડામાં સૂતેલા કામદારે દાવો કર્યો હતો કે તે 2006માં લૉરીમાં છુપાઈને યુકેમાં આવ્યો હતો અને તે છેલ્લા દસ દિવસથી રેસ્ટોરન્ટમાં રહે છે અને કિચનના ફ્લોર પર કાર્ડબોર્ડ નાંખી સૂઈ જાય છે.
હોમ ઑફિસે બ્રેન્ટ કાઉન્સિલની આલ્કોહોલ અને એન્ટરટેઈનમેન્ટ લાઇસન્સિંગ સબ-કમિટીને સમીક્ષા કરવા કહ્યું હતું. બ્રેન્ટ કાઉન્સિલ તા. 15 જૂનના રોજ આ અંગે નિર્ણય લેનાર છે.