(istockphoto.com)

ભૂરાજકીય પડકારો વચ્ચે વિશ્વની વધુને વધુ કંપનીઓ તેમની સપ્લાય ચેઇનનું વૈવિધ્યીકરણ કરી રહી છે અને મિત્ર દેશમાંથી સપ્લાય મળે તેવા પ્રયાસો કરી રહી છે. આ ટ્રેન્ડને કારણે ભારત, મેક્સિકો અને સાઉથઇસ્ટ એશિયાને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે. સ્થાનિક સપ્લાય ચેઇનમાં વધારાથી ભારત અને મેક્સિકોને વધુ લાભ થશે, એમ મોર્ગન સ્ટેન્લીના એક રીપોર્ટમાં જણાવાયું હતું.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં 2031 સુધીમાં મેન્યુફેક્ચરિંગ બેઝમાં ત્રણ ગણો વધારો થશે અને જીડીપીમાં તેનો હિસ્સો આશરે 16 ટકાથી વધીને 21 ટકા થશે. આગામી પાંચ વર્ષમાં મેક્સિકોને અમેરિકામાં થતી તેની નિકાસમાં આશરે 30 ટકાનો ચોખ્ખો ફાયદો થશે. આ ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે, કારણ કે મેક્સિકો-યુએસ ટ્રેડ હવે ચીન-યુએસ ટ્રેન્ડની સમકક્ષ આવ્યો છે.

કંપનીઓ સામાન્ય રીતે કોઇ દેશ પ્રત્યે પક્ષપાત કરતી હોતી નથી, પરંતુ કેટલીક દિગ્ગજ કંપનીઓ તેમના સપ્લાય ચેઇન ઇન્વેસ્ટમેન્ટની વ્યૂહરચના બદલી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગ સંબંધો વચ્ચે એપલની પાર્ટનર ફોક્સકોને ભારતમાં નવા પ્લાન્ટ માટે 700 મિલિયન ડોલરના રોકાણની યોજના જાહેર કરી છે. આ પ્રોજેક્ટ પૂરો થયા પછી રોજગારીની નવી એક લાખ તક ઊભી થશે. કંપનીના ઝેનઝાઉ પ્લાન્ટ હાલમાં બે લાખ લોકોને રોજગારી આપે છે.
વધુને વધુ કંપનીઓ ‘ચાઈના+1’ અથવા તો ‘ચાઈના+એન’ વ્યૂહરચના અપનાવી રહી છે જેથી તેઓ દક્ષિણપૂર્વ એશિયા, મેક્સિકો અને ભારતમાં તેમના મેન્યુફેક્ચરિંગ બેઝને વિસ્તારી શકે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ ચીનમાંથી ઉત્પાદન બેઝને બીજે ખસેડવાની પ્રક્રિયા ધીમી હશે, પરંતુ ચીનમાંથી શિફ્ટ થઈ રહેલ મોટા ભાગનું ટેકનોલોજી હાર્ડવેર ઉત્પાદન દક્ષિણપૂર્વ એશિયા અને ભારતમાં આવશે.

LEAVE A REPLY