વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાત પહેલા ભારતના લાંબા સમયથી મિત્ર ગણાતા બંને પક્ષોના વરિષ્ઠ સેનેટર્સે યુક્રેન પર રશિયાના આક્રમણના મુદ્દે ભારતના વલણ અંગે નિરાશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારતે એક શક્તિશાળી દેશને છાજે તેવું વર્તન કર્યું નથી. એક સેનેટરે તો ભારતની આંતરિક રાજકીય ગતિવિધિ અંગેનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરે ત્યારે તેઓ લોકશાહી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે તેવું તેઓ ઇચ્છે છે.
ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નર અને રિપબ્લિકન સેનેટર જોહન કોર્નિને આ અભિપ્રાય વ્યક્ત કર્યા હતા અને તેઓ સેનેટ ઇન્ડિયા કોકસના સહ-અધ્યક્ષો છે. તેમણે યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની વાર્ષિક ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં આવી ટીપ્પણી કરી હતી. 12 જૂને અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેના સંબોધન સાથે આ સમીટનો પ્રારંભ થયો હતો. આ સમીટને વેપાર પ્રધાન ગિના રૈમોન્ડોએ પણ સંબોધિત કરી હતી.
તેમની ટિપ્પણીઓને વહીવટીતંત્ર અથવા યુએસ કોંગ્રેસ અથવા યુએસ ચેમ્બરનું સમર્થન નથી, પરંતુ તે દર્શાવે છે કે રશિયાના મુદ્દે ભારતના મૌન અંગે અમેરિકામાં નારાજગી છે. ભારતની આંતરિક રાજકીય ગતિવિધિ અંગે પણ સવાલ થઈ રહ્યાં છે.
સેનેટર કોર્નિને જણાવ્યું હતું કે “તે થોડું નિરાશાજનક છે કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે ભારતે કોઇ વલણ લીધું નથી.” જોકે તેમણે ઉમેર્યું હતું કે રશિયન શસ્ત્રો પરની નિર્ભરતાને કારણે ભારતે આવું કર્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે ભારત “રાતોરાત રીસેટ બટન દબાવીને અને 50 વર્ષના ઈતિહાસને બદલી શકે નહીં.” સેનેટ ઇન્ટેલિજન્સ કમિટીના વડાનો કાર્યભાર સંભાળતા સેનેટરે વોર્નરે વધુ સખત ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે ભારતમાં વિશ્વમાં સૌથી મહત્ત્વના દેશોમાં સ્થાન ધરાવે છે, તેથી તે આવા કેટલાંક મુદ્દે પર હવે ચુપ રહી શકે નહીં. વોર્નરે મોદી પાસેથી લોકશાહી અંગેની પ્રતિબદ્ધ પણ માગી હતી.