ભારતીય રિઝર્વ બેંકના વડા શક્તિકાંત દાસને લંડનમાં સેન્ટ્રલ બેંકિંગ દ્વારા 2023 માટે ‘ગવર્નર ઓફ ધ યર’ના ખિતાબથી સન્માનિત કરાયા હતા. સેન્ટ્રલ બેંકિંગ આંતરરાષ્ટ્રીય આર્થિક સંશોધન જર્નલ છે. કોવિડ મહામારી અને વૈશ્વિક આર્થિક કટોકટી જેવા સમયગાળામાં ફુગાવાને અંકુશમાં રાખવામાં અને અને ભારતની બેંકિંગ સિસ્ટમનું કુશળતાપૂર્વક સંચાલન કરવામાં આરબીઆઈના વડાની ભૂમિકા બદલ તેમનું આ સન્માન કરાયું હતું.
આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે RBI ગવર્નરે નિર્ણાયક આર્થિક સુધારાઓને મજબૂત બનાવ્યાં છે તથા વિશ્વની અગ્રણી પેમેન્ટ ઇનોવેશનનુ નેતૃત્વ કર્યું છે અને મુશ્કેલ સમયમાં ભારતને હેમખેમ બહાર કાઢ્યું છે.
શક્તિકાંત દાસે રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. હાલમાં જ તેમણે બે હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો મોટો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વચ્ચે ફુગાવાને અંકુશમાં રાખવામાં તેમણે ખૂબ જ પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. કોરોના મહામારીના સંકટ સમયે પણ તેણે અસરકારક નિર્ણયો લીધા હતા અને બેંકોને કેટલાક મહિનાઓ માટે EMIમાં છૂટ આપવાની સૂચના આપી હતી.
આ એવોર્ડ માટે માર્ચ 2023માં શક્તિકાંત દાસના નામની ભલામણ કરવામાં આવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક પડકારો, ક્રૂડ ઓઈલની અછત જેવી આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને ભારતની બેંકિંગ સિસ્ટમને મજબૂત રાખવાના તેમના કાર્ય માટે તેઓ આ એવોર્ડ માટે પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યા હતા.