એર ઇન્ડિયાએ મહિલા મિત્રને કોકપીટમાં આમંત્રણ આપવા બદલ તેના બે પાઇલટને ફરજ પરથી મુક્ત કર્યા છે. એક મહિનામાં આવી બીજી ઘટના છે. ગયા અઠવાડિયે દિલ્હી-લેહ ફ્લાઈટ દરમિયાન કોકપિટમાં એક મહિલાને આમંત્રિત કરવા બદલ બે પાઈલટ સામે આ કાર્યવાહી થઈ છે.
એર ઈન્ડિયા મેનેજમેન્ટે AI-445 એરક્રાફ્ટના કોકપિટમાં અનધિકૃત મહિલા પેસેન્જર દાખલ કરવા અંગે કેબિન ક્રૂ તરફથી ફરિયાદ મળ્યા બાદ તરત જ પાઈલટ અને કો-પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, નાગરિક ઉડ્ડયન નિયામક (DGCA)એ જણાવ્યું હતું કે DGCA આ મુદ્દાથી વાકેફ છે અને પ્રક્રિયા અનુસાર આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયાએ વિગતવાર તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
લેહ રૂટ સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ દેશના સૌથી મુશ્કેલ અને સંવેદનશીલ હવાઈ માર્ગોમાંનો એક છે અને કોમર્શિયલ એરક્રાફ્ટમાં કોકપિટમાં અનધિકૃત વ્યક્તિને મંજૂરી આપવી એ કાયદાનું ઉલ્લંઘન છે.
DGCAએ 27 ફેબ્રુઆરીના રોજ દુબઈથી દિલ્હી રૂટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-915ના કોકપિટમાં પોતાની મહિલા મિત્રને આમંત્રણ આપનારા એર ઈન્ડિયાના પાઈલટનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું.