ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન
પાચનશક્તિ નબળી હોય, વજન વધતું હોય, કોલેસ્ટેરોલ વધુ હોય તેવા વ્યક્તિઓએ બને ત્યાં સુધી દહીંને બદલે છાશનો ઉપયોગ કરવો. દહીંનો ઉપયોગ કરવો હોય તો દૂધમાંથી તર કાઢી અને દહીં જમાવવા માટે વાપરવું.
દહીંના ગુણોઃ આયુર્વેદમાં મોળા, ખાટા, દહીંની ઉપરની તર, દહીંમાંથી પાણી કાઢી લીધા પછીના દહીં જેવા અનેક પ્રકારના દહીંના ગુણોની વિશિષ્ટતા બતાવી છે. સામાન્ય રીતે દહીંને કબજિયાત કરે તેવું, પાચનમાં મદદરૂપ, ખાવામાં રૂચિ જન્માવે તેવું, કફ અને પિત્ત કરે તેવું જણાવાયું છે. દહીં ખાવાથી ચરબી, વીર્ય, બળ, કફ, પિત્ત, લોહી, અગ્નિ અને સોજો વધે છે. એમ જણાવતા અષ્ટાંગહૃદય નામના આયુર્વેદનાં પ્રચલિત ગ્રંથમાં ગરમીના દિવસો, વસંત ઋતુ, શરદ ઋતુમાં દહીં ન ખાવા જણાવાયું છે.
આ સિવાયની ઋતુઓમાં દહીંમાં મધ, સાકર અથવા મગની દાળનું પાણી ઉમેરી ખાવાનું સૂચન છે. આમ કરવાથી દહીં પચવામાં સરળ બને છે. કફ થતો નથી. વધુ પડતો કફ જામી ગયો હોવાને કારણે થયેલા સાયનસાયટિસમાં દહીં, ઘી-સાકર ભેળવીને ખાવાથી કફ સરળતાથી નીકળી જાય છે. નિરોગીઓએ દહીંના ગુણોનો ફાયદો મેળવવો હોય તો થોડા પ્રમાણમાં તેનો ઉપયોગ કરી શકે છે. પાચનના રોગમાં દહીંનો ઉપયોગ દૂધ પચતું ન હોય, ખોરાક તરકફ અરૂચિ થતી હોય, ઝાડા વારંવાર થતાં હોય તેઓ તાજા-મોળા દહીંનો આહારમાં ઉપયોગ કરે તો ફાયદો થાય છે. આંતરડાની નબળાઇને કારણે અન્ય ખોરાક પચતો ન હોય, ત્યારે દહીંનાં ઉપયોગથી પોષણની જરૂરિયાત સંતોષાય છે. તે ઉપરાંત આંતરડાની શ્લેષ્મકલામાં રહેલો સોજો, ચાંદા વગેરે મટાડવામાં પણ તાજા મોળા દહીંનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
અનુભવસિદ્ધઃ સામાન્ય રીતે કફ જમા થઈ જતો હોય ત્યારે દુધનો ઉપયોગ ટાળવામાં આવતો હોય છે.પરંતુ આયુર્વેદિય વૈજ્ઞાનિક પદ્ધતિથી જમા થઇ જતા કફને સરળતાથી પીગળાવી ફેફસા, શ્વાસનળીમાંથી સરળતાથી જ પ્રવાહણ થઈ જાય તે માટે દુધનું તાપમાન અને તેમાં ઉમેરવામાં આવતાં પદાર્થના ગુણધર્મના આધારિત સરળ અસરકારક સૂચન કરે છે, જે મૂજબ ગાયનું દૂધ ગરમ કરી તેમાં ખડીસાકર અને મરીનું ચૂર્ણ ભેળવી પીવાથી જામી ગયેલો કફ સરળતાથી છૂટો પડી શકે છે. સામાન્ય માન્યતા મુજબ સૂંઠ, આદુ કે હળદર કહેવા પૂરતું વાપરી માત્રા અને પદ્ધતિનો ખ્યાલ ન હોવાથી ફાયદાકારક ન પણ થાય આથી ડાયેટ થેરાપી ,ઘરગથ્થુ ઉપચારની અસરકારકતા ત્યારે જ થાય છે જ્યારે આયુર્વેદ ડોક્ટર જે તે વ્યક્તિની પ્રકૃતિ , રોગ દૂર કરવા જરૂરિયાત મૂજબ ખોરાક કે અન્ય પદાર્થોનું પ્રમાણ, પદ્ધતિ નક્કી કરી સૂચવે.
કફ કરવા માટે જવાબદાર માનવામાં આવતું દુઘ પણ યોગ્ય માર્ગદર્શન મુજબ વાપરવાથી cough expectorantનું કામ કરી શકે છે!
• જીવનીયનો અર્થ થાય જેના ઉપયોગથી જીવનશક્તિ વધે, જળવાઇ રહે, જીવનીય – Enlivening.
• રસાયન – શરીરની બંધારણરૂપ સાત ધાતુઓમાંની મુખ્ય ધાતુ ‘રસ’ને બળ આપે તેવા પદાર્થને રસાયન કહેવાય. રસાયન – Rejuvenating, Antiaging.
• મેધ્ય – બુદ્ધિ, મેધા, સ્મૃતિને ટકાવવામાં મદદરૂપ તે મેધ્ય. મેધ્ય – Brain Tonic, Improves Intelligence.
• બલ્ય – શારીરિક બળ અને રોગ સામે શરીરની રક્ષા કરવાની શક્તિ વધારે તે બલ્ય. બલ્ય – Improves Strength and immunity.
ગાયના દૂધના ઔષધિય ઉપયોગો
• પિત્ત થઇ જતું હોવાથી માથાનો દુખાવો થતો હોય – જેને આધાશીશી માઇગ્રેનનું દર્દ પણ કહે છે, આવા રોગીઓની પાચનશક્તિ યોગ્ય હોય તો ગાયના દૂધને ઉકાળીને બનાવેલો માવો, સાકર ભેળવીને ખાવો. માવો બનાવવો શક્ય ન હોય તો ગાયના દૂધની ખીરમાં બદામ અને સાકર ઉમેરી બને તો બ્રેકફાસ્ટમાં ઉપયોગ કરવો.
• વજન વધારવું હોય, અશક્તિ હોય, ત્વચા-વાળ નિસ્તેજ હોય – આવી વ્યક્તિઓએ 1 કપ આશરે 200 મીલી ગરમ કરેલા ગાયના દૂધમાં 1 નાની ચમચી ગાયનું ઘી અને 2 ચમચી સાકર ઉમેરી ભૂખ લાગી હોય તેવા સમયે પીવું. આ મુજબ ગાયનું દૂધ નિયમિત પીવાથી ઓલિગોસ્પર્મિયા તથા સ્પર્મની મોટીલીટી ઓછી હોય તેવા યુવાનોને પણ ફાયદો થાય છે.
• નબળાઇને કારણે માસિક ઓવ્યુલેશન અનિયમિત હોય તેવી યુવતીઓને પણ આ મુજબ પ્રયોગ કરવાથી શરીરમાં પુષ્ટતા આવે છે. ગર્ભધારણ શક્ય બને છે.
• મોનોપોઝ દરમિયાન થતી અકળામણ, શરીરમાં દાહ, હાડકાની નબળાઇ જેવી તકલીફમાં ગાયના દૂધનો નિયમિત ઉપયોગ કરવો.
• તજા ગરમીને કારણે આંખો લાલ રહેતી હોય, બળતરા થતી હોય ત્યારે રૂની જાડી થેપલી કરી, ગાયના દૂધમાં પલાળીને બંને આંખ બંધ કરી પોપચા પર મૂકવાથી રાહત થશે.
• પાચન નબળું હોય દૂધ પચતું ન હોય, વારંવાર ઝાડા થતાં હોય તેઓએ અડધું ગાયનું દૂધ પાણી ભેળવી, માત્ર અડધું બાકી રહે તેટલું ઉકાળીને ઠંડું કરેલું દૂધ પીવું, આ મુજબનું દૂધ પચવામાં સરળ રહે છે.
• પેશાબમાં બળતરા થતી હોય, પેશાબ અટકીને થતો હોય તેઓએ ગાયનું દૂધ અડધું પાણી મિક્સ કરી પીવું. આવું પાણી ભેળવેલું દૂધ પીધા પછી દોઢ કલાક કશું ખાવું નહીં. અહીં ગાયના દૂધના સામાન્ય ઔષધિય ઉપયોગો બતાવ્યા છે. ચિકિત્સક દોષપરક નિદાન કરીને ઘણાં રોગોમાં ગાયના દૂધના પ્રયોગથી રાહત આપી શકે છે.
• ગાયનું દહીં સામાન્ય ગરમ કરીને દૂધમાં દહીંનું થોડું મેળવણ ઉમેર્યાના 2-3 કલાક બાદ જામી ગયેલા તાજા, મોળા દહીંનો ઉપયોગ કરવો આરોગ્ય માટે યોગ્ય છે.