ભારતીય હોકી ટીમે જુનિયર મહિલા એશિયા કપની ફાઈનલમાં ચાર વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને ઈતિહાસ સર્જયો હતો. રવિવારે રમાયેલી ફાઈનલમાં ભારતીય ટીમ દક્ષિણ કોરિયાને 2-1થી હરાવીને પ્રથમ વખત એશિયા કપની ચેમ્પિયન બની હતી.
આ સાથે, ભારતીય ટીમ જુનિયર વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે, જુનિયર વર્લ્ડ કપ આ વર્ષે 29 નવેમ્બરથી 10 ડીસેમ્બર સુધી ચિલીમાં રમાશે. જાપાનના કાકામિગહારા શહેરમાં રમાઈ ગયેલી ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારત અને દક્ષિણ કોરિયા પહેલા હાફમાં એક-એક ગોલની બરાબરીએ રહ્યા હતા. અન્નુ (22′) અને નીલમે (41′) ભારત માટે ગોલ કર્યો હતો. કોરિયા તરફથી એકમાત્ર ગોલ પાર્ક સિઓને કર્યો હતો.
આ પહેલા ભારતીય ટીમ લીગ સ્ટેજમાં મેચમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી. લીગમાં રમાયેલી 4 મેચમાંથી ભારતે 3માં જીત મેળવી હતી જ્યારે એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતીય ટીમે લીગમાં પોતાની પ્રથમ મેચમાં ઉઝબેકિસ્તાનને 22-0થી હરાવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં 10 ટીમે ભાગ લીધો હતો. ભારતીય ટીમની સાથે અન્ય ચાર ટીમને તેમની વર્લ્ડ રેન્કિંગના આધારે અંડર-21 હોકી ટુર્નામેન્ટમાં સીધો પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમાં ચીન, કોરિયા, જાપાન અને મલેશિયાની ટીમ સામેલ હતી.